• મંગળવાર, 25 જૂન, 2024

ફ્રાન્સમાં ચોંકાવનારાં પગલાંમાં રાષ્ટ્રપતિ મેક્રાંઁએ સંસદ ભંગ કરી

પેરિસ, તા. 10 : ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંને ચોંકાવનારું પગલું ભર્યું છે અને નેશનલ એસેમ્બલીનું વિસર્જન કર્યું છે. તેમણે યુરોપિયન સંસદની ચૂંટણીમાં પાર્ટીની મોટી હાર જોયા બાદ નિર્ણય લીધો છે. એક્ઝિટ પોલ્સ અનુસાર, રવિવારે યોજાયેલી યુરોપિયન સંસદીય ચૂંટણીમાં મેક્રાંઁનની રિનેસાં પાર્ટી મરીન લે પેનની દક્ષિણપંથી પાર્ટી નેશનલ રેલી સામે હારી રહી છે. એક્ઝિટ પોલના અંદાજ મુજબ, નેશનલ રેલીને 31.50 ટકા વોટ મળી રહ્યા છે જ્યારે રિનેસાં પાર્ટીને માત્ર 15.20 ટકા વોટ મળી રહ્યા છે. સોશિયાલિસ્ટ પાર્ટી 14.3 ટકા મતો સાથે ત્રીજા સ્થાને રહી શકે છે. ફ્રાન્સમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 30 જૂન અને 7 જુલાઈએ મતદાન થશે. એક્ઝિટ પોલ બહાર આવ્યા પછી, નેશનલ રેલીના નેતા જોર્ડન બાર્ડેલાએ મેક્રોંનને સંસદ ભંગ કરવાની હાકલ કરી હતી. એક્ઝિટ પોલ આવ્યાના થોડા કલાકો બાદ મેક્રોંને રાષ્ટ્રીય સંબોધનમાં સંસદ ભંગ કરવાની જાહેરાત કરી હતી. ` પરિણામો સરકાર માટે વિનાશક છે, હું તેને અવગણી શકતો નથી. મેં સંસદ ભંગ કરી દીધી છે. હવે તમારી પાસે તમારું રાજકીય ભવિષ્ય પસંદ કરવાનો વિકલ્પ છે. મને ખાતરી છે કે તમે સાચો નિર્ણય લેશો.' ફ્રાન્સની નેશનલ એસેમ્બલીમાં 577 સભ્યો હોય છે. ત્યાં રાષ્ટ્રપતિ પદ માટે અલગથી ચૂંટણી યોજાય છે. આવી સ્થિતિમાં જો મેક્રોંનની પાર્ટી હારશે તો પણ મેક્રોંન પદ પર રહેશે. જો કે, જો મરીન લે પેનની નેશનલ રેલી નેશનલ એસેમ્બલીમાં બહુમતી જીતી લે છે, તો મેક્રોંન ખૂબ નબળા રાષ્ટ્રપતિ બની જશે અને સંસદમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે વિપક્ષી પાર્ટીઓ પર આધાર રાખવો પડશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang