• શનિવાર, 27 જુલાઈ, 2024

બે અથડામણમાં 12 ખૂંખાર નક્સલી ઠાર

બીજાપુર / બાલાઘાટ, તા. 2 : છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં મહિલા સહિત 10 નક્સલવાદી માર્યા ગયા હતા, તેમના મૃતદેહ કબજે કરવામાં આવ્યા હતા. અથડામણમાં નક્સલી કમાન્ડર પાપારાવ માર્યો ગયો હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. જો કે, સત્તાવાર સમર્થન મળ્યું નથી. અથડામણનાં સ્થળેથી એકે-47, એલએમજી જેવાં સ્વચાલિત હથિયારો મળતાં રાજ્યના ગૃહમંત્રીએ તેને ચિંતાનો વિષય લેખાવ્યો હતો. છેલ્લામાં છેલ્લા હેવાલ મુજબ નક્સલવાદીઓ હજુ પણ ઘટનાસ્થળની આસપાસ મોજૂદ છે. દરમ્યાન, મધ્યપ્રદેશ-છત્તીસગઢ સીમાએ કેરાઝારી જંગલમાં અન્ય અથડામણમાં 43 લાખનું કુલ ઇનામ ધરાવતા એક મહિલા સહિત બે ખૂંખાર નક્સલવાદી પણ પોલીસના હાથે ઠાર મરાયા હતા. એન્કાઉન્ટર અંગે મળતી વિગતો અનુસાર ગઇકાલે મોડી રાત્રે હોક ફોર્સને સફળતા મળી હતી. ત્રણ કલાકના સામસામા ગોળીબારને અંતે બે નક્સલી માર્યા ગયા હતા. મૃતકોમાં નક્સલી ડીવીસીએમ નેતા સુજંતિ ઉર્ફે કાંતિ ઉપર 29 લાખ રૂપિયાનું ઇનામ હતું, જ્યારે રઘુ ઉર્ફે શેરસિંહ 14 લાખ રૂા.નો ઇનામી નક્સલવાસી હતો. છત્તીસગઢના અહેવાલ મુજબ કોરચોલી અને લેંડ્રાના જંગલમાં મોટી સંખ્યામાં ગગાલૂર વિસ્તાર સમિતિના નક્સલવાદી મોજૂદ હોવાની બાતમી મળ્યા બાદ બીજાપુરથી ડીઆરજી, સીઆરપીએફ, કોબરા, બસ્તર ફાઈટર્સ, બસ્તરિયા બટાલિયન અને સીએએફના જવાનોએ ગઈ રાત્રિના સંયુક્ત શોધ અભિયાન કરતાં અથડામણ સર્જાઈ હતી. રાજ્યના ગૃહમંત્રી વિજય વર્માએ કહ્યું કે, નક્સલીઓ પાસેથી એલએમજી જેવાં સ્વચાલિત હથિયારો મળવાં ચિંતાનો વિષય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang