• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

લંડનમાં કેરા-કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટની પ્રવૃત્તિઓને બિરદાવાઈ

કેરા, (તા. ભુજ) તા. 25 :  અહીં પંચાડાનાં અનેક ગામોમાં 155 વર્ષથી શિક્ષણની આહલેક જગાડી રાખનાર કેરા - કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટની પ્રવૃત્તિઓને યુ.કે. વાસી ગામાઈઓનો ભારે પ્રતિસાદ સાંપડયો છે. લંડન સ્ટેનમોર એસ્પાયર લેસર કેન્દ્ર ખાતે પ્રમુખ દેવેન્દ્રભાઈ માવજી વાઘજિયાણીની અધ્યક્ષતામાં માહિતી બેઠક યોજાઇ હતી. પૂર્વ છાત્ર એવા ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામીની માતૃશાળા પ્રત્યેની લાગણી અને મહેનતની જાહેર નોંધ લેવાઈ હતી. ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મજીવનદાસજી સ્વામી પૂર્વ આશ્રમે અહીંના વિદ્યાર્થી હોવાથી એમનું નામકરણ કરાયું હતું. ફ્રેન્ડ્સ ઓફ કેરા, કેરા કુંદનપર ગામ, કેરા કુંદનપર યુથ વિંગ સંસ્થાઓની સંયુક્ત માતૃસંસ્થા મિલન બેઠકમાં હાલની વર્તમાન કમિટીના મહાપુરુષાર્થને  વધાવ્યો હતો. કચ્છથી યુ.કે. આવેલા શિક્ષણ ટ્રસ્ટના સભ્યો પૈકી શિક્ષણ સમિતિના વરિષ્ઠ સભ્ય અને આચાર્ય એવા વસંત પટેલે જણાવ્યું કે, હાલ અમારી કમિટી વાંચન, લેખન, ગણન ઉપર ધ્યાન આપી રહી છે. પાયાની કચાશ દૂર થશે તો શિક્ષણને મજબૂતાઇ મળશે. ગામ સમાજના વરિષ્ઠ સભ્ય અને દાતા  શિવલાલભાઈ વેકરિયા, સેવાભાવી યુવા કિશોરભાઈ નારદાણી, સક્રિય સભ્ય પ્રવીણ ખીમાણી, વિનોદ પિંડોરિયા, ગામડાંમાં વિધાર્થીઓને શિક્ષણ સામગ્રી આપતાં ભચીબેન વાગડિયા, શિવ ખેતાણી, શીલા ખોખરાઈ, જીગ્નેશ પાંચાણી, જિતેન્દ્ર વરસાણી, જયેશભાઈ હિરાણી સહિતના અનેક યુવા આગેવાનોએ કેરા કુંદનપર શિક્ષણ ટ્રસ્ટના બદલાવને વધાવ્યો હતો શાસ્ત્રી ધર્મજીવનદાસજી વિદ્યાસંકુલ નામકરણ અને નૂતન ઓડિટોરિયમ નિર્માણની સહિતની વિગતો પ્રમુખ શ્રી વાઘજિયાણીએ આપી હતી. ઉપસ્થિત સૌ સભ્યોએ પ્રશ્નોત્તરી કરી વિગતો જાણી હતી અને નવી ટીમનાં કાર્યોને યોગ્ય ગણાવી આર્થિક રીતે ટ્રસ્ટ વધુ ને વધુ સમૃદ્ધ થતું રહેશે એવી ભાવના દર્શાવી હતી. આ પ્રસંગે સંસ્થાના પૂર્વ પ્રમુખો સહિતના વખતો વખતના તમામ કાર્યકરોને, ખોજા ભાયાતો તથા કેરાનાં અઢારેય વરણના સાથ સહયોગની નોંધ લેવાઈ હતી. અગ્રણીઓ નવીનભાઈ પાંચાણી, શિવજી ભુવા, રવજીભાઈ કેરાઈ, ઉપપ્રમુખ અરાવિંદભાઈ નાનજી ભુવા, નરેન્દ્ર ભોજાણી, શૈલેષ ભુવા, વિનોદ રવજી કેરાઈ, ડો. દિનેશ પાંચાણી, સુરેશભાઈ ભુવા, મુકેશભાઈ વેકરિયા, ધીરજભાઈ લાધાણી, ખજાનચી અપેશ મેપાણી સહિતના તમામ સભ્યો સંસ્થા માટે સોંપાયેલાં કાર્યો સહિયારા સંપથી સંભાળી રહ્યાં છે. બિનનિવાસી ગ્રામજનોએ સૂચન કર્યું હતું કે, ઓડિટોરિયમનું કાર્ય મોટું હોઈ લોકોમાં પારદર્શિતા રહે એ માટે જાહેર ટેન્ડર બહાર પાડી મજૂરી કામ આપવું અને માલ ટ્રસ્ટે લઈ દેવો જોઈએ, જેથી પડતર નીચી આવે અને દાતાઓનાં દાનનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત થાય. પ્રમુખ દેવેન્દ્રભાઈએ સૂચન આવકારી અખબારોમાં જાહેર ટેન્ડર કરવાના જ છીએ એમ કહ્યું હતું. આ બેઠકમાં ભુજ સમાજના આગેવાન ટ્રસ્ટી કેશરાભાઈ રવજી પિંડોરિયાએ ઉપસ્થિત રહી સમાજના વિકાસ કાર્યો, સેવાઓ અને જરૂરિયાતોથી અવગત કર્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang