• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

એસ.ટી. બસનો અધવચ્ચે દગો

નલિયા, તા 10 : અબડાસા તાલુકાનાં મુખ્ય મથક નલિયા એસ.ટી. ડેપોની બસોની કથળેલી હાલતના કારણે મુસાફરોની હાલાકીમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આજે સવારે 9.30 કલાકે 40 પ્રવાસીને લઈ ભુજ જવા રવાના થયેલી બસ માંડ 10 વાગ્યા સુધી હમીરપર પાસે પહોંચી, ત્યાં જ બ્રેકડાઉન થઈ થઇ ગઇ હતી. મુસાફરો રઝળી પડયા હતા. અડધો કલાક સુધી રસ્તા પર ઊભા રહ્યા બાદ પાછળથી આવેલી નલિયા-જામનગર એક્સપ્રેસ બસમાં મુસાફરોને ખીચોખીચ હાલતમાં બેસાડવામાં આવ્યા હતા. જો કે, લોકલ બસ ફેઈલ થઈ હોવા છતાં મુસાફરો પાસેથી એક્સપ્રેસનું ઊંચું ભાડું વસૂલવામાં આવતાં મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને બસમાં સવાર 10થી 12 જેટલા વિદ્યાર્થીના રાહત દરના પાસ એક્સપ્રેસ બસમાં માન્ય ન રખાતા, તેઓને મજબૂરીમાં ટિકિટના પૂરા પૈસા ખર્ચવા પડયા હતા. નલિયા ડેપોની બસો અવારનવાર રસ્તા વચ્ચે જ ખોટકાઈ જતી હોવા છતાં ડેપો મેનેજર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાની રાવ ઊઠી છે. તંત્રની બેદરકારીનો ભોગ ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરો આર્થિક રીતે બની રહ્યા છે. 

Panchang

dd