• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

સસ્તાં સોનાંની લાલચ આપી 4.30 લાખની ઠગાઈ

ભુજ, તા. 10 : સોશિયલ મીડિયામાં સસ્તાં સોનાંની જાહેરાત આપી અમદાવાદના શખ્સ સાથે બે વર્ષ પૂર્વે રૂા. 4.30 લાખની છેતરપિંડી થઈ હતી. આ અંગે ભુજની ઠગ ત્રિપુટી સામે ફરિયાદ નોંધાવાઈ છે. દરમ્યાન બે આરોપીને પોલીસે ઝડપી પાડયા છે. આ છેતરપિંડી અંગે ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે અમદાવાદ-બોપલના જૈમીન પરેશભાઈ પટેલે ગઈકાલે નોંધાવેલી ફરિયાદ મુજબ બે વર્ષ પૂર્વે ફેસબુકમાં માર્કેટપ્લેસ ઉપર મોહિત સોની નામની આઈ.ડી.માં સોનાનાં બિસ્કિટના ફોટા સાથે બજારભાવ કરતાં 20થી 25 ટકા સસ્તુ સોનું મળશે તેવી જાહેરાત હતી. આથી ફરિયાદીએ મેસેજ કરી એક બિસ્કિટની જરૂરિયાત જણાવી પોતાના વોટ્સએપ નંબર આપ્યા હતા. આથી બિસ્કિટના વીડિયો તેઓએ મોકલાવ્યા હતા અને સોનાંનાં બિસ્કિટ ભુજમાં મળશે, તમને ભુજ આવવું પડશે, તેવું જણાવ્યું હતું. ફરિયાદી ભુજ આવતાં તેને એરપોર્ટ રોડ પર બોલાવી ત્યાંથી ટુ-વ્હીલર મારફત મોહિતે તેને ડી-માર્ટ પાસેના રસ્તા પર લઈ જઈ નવાબ નામના શખ્સથી મળાવ્યો હતો અને તેઓ સેમ્પલ બતાવી 100 ગ્રામ વજનનું બિસ્કિટ રૂા. 4.50 લાખમાં આપશે, તેવું જણાવી કહ્યું કે, અમે જમી આવીએ, તમારો ફાઈનલ જવાબ આપજો. જવાબ મોહમ્મદ અલીને આપજો, જેના નંબર આપ્યા હતા. આ બાદ ફોન કરી 4.30 લાખમાં ડીલ ફાઈનલ થઈ હતી. ફરિયાદીએ પત્ની પાસેથી આંગડિયા મારફત પાંચ લાખ મગાવી 4.30 લાખ રૂપિયા લઈ મોહિત ફરિયાદીને ગાડીમાં લઈ જઈ ઓધવ વંદના સોસાયટીમાં લઈ ગયો હતો, જ્યાં મોહમ્મદ અલીએ કમરમાં બાંધવાનો પટ્ટો કાઢ્યો, જેમાં સોનાંનાં બિસ્કિટ હતાં. મોહિતને જણાવ્યું કે, જૈમીનભાઈને સામખિયાળીમાં સોનાંનું બિસ્કિટ આપી દેજે. આ બાદ મોહિતને વચ્ચેથી ઉતારી દેવામાં આવ્યો અને સામખિયાળીમાં બિસ્કિટ મળી જશે તેવું કહેવામાં આવ્યું. આ બાદ અમદાવાદ બિસ્કિટ મળી જશે તેવું જણાવ્યું, પરંતુ આ જ સુધી ન સોનું મળતાં કે ન રૂપિયા પરત મળતાં તપાસ કરતાં આ લોકો ઠગાઈ કરતા હોવાનું સામે આવતાં એલસીબીનો સંપર્ક કરતાં તેઓએ ફોટા બતાવતાં મોહિતનું સાચું નામ રીઝવાન રમજુ મોખા (રહે. ભૂતેશ્વર, ભુજ), મોહમ્મદ અલીનું સાચું નામ જુસબ વલીમામદ કકલ (રહે. ઓધવ વંદના સોસાયટી, ભુજ) અને નવાબનું સાચું નામ અબ્બાસ જુસબ મોખા (રહે. ભીડગેટ, ભુજ) છે. આથી ત્રણે વિરુદ્ધ ગુનો દાખલ  થયો હતો. એલસીબીએ આ કામના બે આરોપી રિઝવાન અને અબ્બાસને રોકડા રૂા. એક લાખ તથા આ ગુનામાં વપરાયેલી સ્વીફ્ટ ગાડી નં. જીજે-12-એફબી-7928 કિં. રૂા. બે લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે. - ઓળખ માટે દશની નોટ ફાડી `ફિલ્મી' સીનસપાટા : ઓધવ વંદના સોસાયટી પાસે મોહમ્મદ અલી જેનું સાચું નામ જુસબ કકલે ફરિયાદી જૈમીન પાસેથી એક દશની નોટ માગી, જે આપતાં તેને વચ્ચેથી ફાડી નાખી અને એક ટુકડો જૈમીનને આપી તથા એક ટુકડો પોતા પાસે રાખી જણાવ્યું કે, ભવિષ્યમાં જ્યારે પણ તમને સસ્તું સોનું જોઈએ તો આ નોટના સિરિયલ નંબર કહેજો... હું તમને ઓળખી જઈશ... આમ ફિલ્મી ઢબના આ ઠગબાજોએ સીનસપાટા કર્યાની વિગતોનો ઉલ્લેખ પણ ફરિયાદમાં કરાયો છે.   

Panchang

dd