ગાંધીધામ, તા. 10 : અહીં કરોડો રૂપિયાના ખર્ચે પીવાનાં પાણીની લાઈનો નાખવામાં કૌભાંડ
થયાં છે તેવા ગંભીર આક્ષેપો શહેરના પ્રબુદ્ધ નાગરિકો તેમજ જાણકારો દ્વારા કરવામાં આવ્યા
છે. અમૃતમ યોજના હેઠળ 31 કરોડથી વધુના
ખર્ચે જે એજન્સીએ લાઈનો નાખી છે, તેની
તો ભ્રષ્ટાચારની ફરિયાદ ઉચ્ચકક્ષા સુધી થઈ છે, પણ હવે ગાંધીધામમાં
પાણીની લાઈનો નાખવાની માયાજાળમાં વિચિત્રતા સામે આવી છે. એક એક વિસ્તારમાં ત્રણ ત્રણ
પીવાનાં પાણીની લાઈનો નખાઈ રહી છે. ખરેખર જે વિસ્તારોમાં જરૂરિયાત છે, ત્યાં લાઈનો નખાતી નથી અને જે વિસ્તારોમાં મહાનગરપાલિકાની લાઈનો કાર્યરત છે
તે ઉપરાંત જે પ્રકલ્પમાં ભ્રષ્ટાચારના આક્ષેપો છે તેવા 31 કરોડના ખર્ચે અમૃતમ યોજના હેઠળ
લાઈન નાખવામાં આવી છે તેવું ચોપડામાં દર્જ છે. જમીન ઉપર તપાસ કરવા જેવી સ્થિતિ છે અને
હવે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન નલ
સે જલ યોજના હેઠળ પાણીની લાઈન નાખે છે. જાગૃત નાગરિકોના કહેવા મુજબ લોકોના ટેક્સના
રૂપિયાની બરબાદી સરકારના નેજા હેઠળ થઈ રહી છે તેવા ગંભીર આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા
છે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ પણ થઈ રહ્યા
છે તેવા ગંભીર આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. જે વિસ્તારોમાં આ લાઈનોના કારસ્તાન
કરવામાં આવી રહ્યાં છે, તે વિસ્તારના
જ લોકો પોતાનાં ઘરની આસપાસના જ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં નાખે છે. ભારતનગર નાઈન
બી ટાંકાની પાછળના ભાગે હાલના સમયે પાણીની લાઈન નાખવાની કામગીરી ચાલુ છે, તેમાં વૃક્ષોનું પણ નિકંદન કરાઈ રહ્યું છે. અહીં અગાઉ મહાનગરપાલિકાએ નાખેલી
લાઈન કાર્યરત છે અને તેમાંથી સપ્લાય થાય છે, તે પછી ત્યાં અમૃતમ
યોજના હેઠળ 31 કરોડથી વધુના
ખર્ચે જે લાઈનો નખાઇ છે, તે પૈકીની
લાઈનો આ વિસ્તારમાં પણ નાખવામાં આવી છે. કનેક્શન થયાં નથી તેમાંથી લોકોને પાણી મળતું
નથી, વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો છે, તપાસ
થતી નથી, આ એજન્સી સામે અત્યાર સુધીમાં કોઈ પગલાં ભરાયાં નથી,
પણ વિભાગીય સૂત્રોનું માનીયે, તો અહીં લાઈન નખાયેલી
છે. હવે ત્યાં જ ફરીથી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લાઈન નાખી રહી છે. નલ સે જલના 120 કરોડથી વધુના પ્રકલ્પ હેઠળ
આ લાઈન નાખવાની કામગીરી થાય છે. અનેક વિસ્તારોમાં આવી સ્થિતિ છે, જ્યાં ત્રણ ત્રણ લાઈન નખાયેલી છે અને ખરેખર
જ્યાં જરૂરિયાત છે, ત્યાં લાઈનો નખાતી નથી. આ વિચિત્ર પરિસ્થિતિની
ખરેખર તપાસ થવી જોઈએ તેવી માંગ લોકો કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઈ રહ્યા છે,
તેમાં તો 2022ના વર્કઓર્ડરનાં
કામ હવે થાય છે તેવા આક્ષેપો છે. ખરેખર મ્યુનિસિપલ કમિશનર આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા
31 કરોડના અમૃતમ યોજનાના પ્રકલ્પની
અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના 120 કરોડથી વધુનાં પાણીના પ્રકલ્પની તપાસ થવી જોઈએ તેવી માંગ શહેરના
જાગૃત નાગરિકો કરી રહ્યા છે. - ખોદકામ દરમિયાન મૂળમાંથી વૃક્ષોનું નિકંદન : ભારતનગર નાઇન બી ટાંકાની પાછળના ભાગે જ્યાં
લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે, ત્યાં વૃક્ષોનું મૂળમાંથી નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકાના એન્જિનીયારિંગ
તેમજ પાણી વિભાગ ઉપરાંતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આવા મામલાઓમાં તપાસ થવી જોઈએ અને ગંભીર
બેદરકારી દાખવનારા જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લોકોએ કરી છે.