ભારત જેવા વિશાળ દેશમાં ગરીબીનો મુદ્દો આઝાદીના સાત દાયકા બાદ
પણ ચર્ચામાં રહ્યો છે. તાજેતરમાં રજૂ કરાયેલી આર્થિક સમીક્ષામાં દેશનાં સાવ નીચલાં
સ્તરના લોકોની પાંચથી દસ ટકા વસ્તીની ખરીદી પાછળના ખર્ચમાં વધારો થયો હોવાનો ખાસ ઉલ્લેખ
કરાયો છે. આ ઉલ્લેખે આડકતરી રીતે ગરીબીનો સામનો કરતા વર્ગની હાલત સુધરી રહી હોવાની
ચર્ચા છેડી છે. એવા સંકેતની વાતો થવા લાગી છે કે,
ગરીબીનો વ્યાપ ઘટી રહ્યો છે, પણ આ બદલાવ - સુધારાને
ગરીબી ઘટી હોવાની વાત સાથે સીધી રીતે સાંકળી શકાય કે નહીં એ સવાલ હજી યથાવત્ રહ્યો
છે. આર્થિક સમીક્ષામાં સરકારે કહ્યંy હતું કે, સરકારના
સબીસિડી, પેન્શન, શિક્ષણ અને આરોગ્ય સેવામાં
સુધારાનાં પરિણામે સૌથી નબળા વર્ગની હાલત સુધરી છે. આમ તો છેલ્લાં થોડાં વર્ષમાં અર્થતંત્રની
હાલત બદલી હોવાની અસર તમામ ક્ષેત્રે અનુભવાઈ રહી છે, પણ ગરીબીમાંથી
બહાર આવવાના માપદંડ સામે સવાલ યથાવત્ છે. આ પ્રક્રિયામાં માત્ર વસ્તુઓની વધેલી ખરીદીને
આધાર બનાવી શકાય નહીં. આર્થિક સમીક્ષામાં એમ કહેવાયું છે કે, દેશમાં ગ્રાહકલક્ષી અસમાનતા ઘટી છે, પણ આ હકીકતને ગરીબી
ઓછી થઈ હોવાના સંકેત સમાન ગણી શકાય નહીં.
આ સમીક્ષા મુજબ છેલ્લાં બે વર્ષમાં સમાજના સૌથી નીચલના વર્ગની વ્યક્તિદીઠ સરેરાશ
માસિક આવક વધી છે. આ માટે સરકારી નીતિઓના વધેલા ફાયદાને કારણરૂપ ગણાવાયા છે. આ અહેવાલમાં
આવક વધવાની સાથે આ વર્ગની ખર્ચ કરવાની ક્ષમતા પણ વધી છે. સ્વાભાવિક છે કે, આવક વધે એટલે ખર્ચની ક્ષમતા પણ વધી જાય છે. વક્રતા એ છે કે, મોંઘવારી વધવાની સાથોસાથ રોજબરોજની વસ્તુઓની ખરીદીની પાછળનો ખર્ચ વધ્યો છે.
વળી આવક ઓછી પડે છે ત્યારે આ વર્ગને લોન લેવાની કે વ્યાજે નાણાં લેવાની ફરજ પડે છે.
એક તરફ સરકાર ગરીબ વર્ગને મફત રાશન આપવાની યોજના ચલાવી રહી છે. આવા 80 કરોડ લોકોને આ રાશન આપવાની
સરકારને ફરજ એટલા માટે પડી રહી છે કે, તેઓ ગરીબીની રેખાની નીચે છે. આ યોજના ખરા અર્થમાં ગરીબીના માપદંડ સમાન ગણાવી
જોઈએ. સરકારે દરેક વખતે કોઈ ને કોઈ આંકડાકીય આધાર અગળ ધરીને ગરીબી ઓછી થઈ હોવાનું બતાવવાના
પ્રયાસ કરવા પડે છે. આવું ધ્યાન ખેરખર તો પાયાનાં સ્તરે સુધારા પર આપવાની જરૂરત છે. નબળા વર્ગોને વિકાસ અને તેમની આજીવિકા માટે કાયમી
વ્યવસ્થા ઊભી કરવાનાં પગલાં લેવાવાં જોઈએ. ગરીબોને શિક્ષણ અને રોજગારીની તકો મળતી થાય
તો ગરીબી ખરા અર્થમાં ઘટી શકે તેમ છે.