• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

વાગડ પ્રદેશમાં ગૌસેવાની અલખ જાગી

ભચાઉ, તા. 10 : વાગડ વિકાસ સંઘ એટલે વાગડ પ્રદેશનું એકમાત્ર એવું સંગઠન કે જે મુંબઈ મહારાષ્ટ્ર અને સ્થાનિક વાગડ પ્રદેશમાં એક સાથે સેવાકીય પ્રવૃતિઓ કરતું, વાગડ પ્રદેશની અઢારે વરણનું પ્રતિનિધિત્વ કરતું રાષ્ટ્રવાદી સંગઠન. ભચાઉ તાલુકાની કંથકોટની સીમમાં આવેલી મુન્દ્રા પાંજરાપોળ એન્ડ ગૌશાળા ટ્રસ્ટની 800 એકરમાં પથરાયેલી વિરાટ બીડીમાં `વાગડ વિકાસ સંઘ' દ્વારા સંચાલિત શ્રી રામ-કૃષ્ણ મહાવિર ગૌશાળા છેલ્લા આઠ મહિનાથી કાર્યરત છે. આ ગૌશાળામાં આવનાર દિવસોમાં વાગડ પ્રદેશના રખડતા, રઝડતા, નિરાધાર ગૌવંશને સાચવી લેવાના સંકલ્પ સાથે પ્રખર ગૌભક્ત લક્ષ્મીચંદ ચરલાના નેતૃત્વમાં ગૌસેવાનો અનોખો યજ્ઞ આદરાયો છે. હાલમાં અહીં 600 જેટલા ગૌવંશનું લાલન-પાલન થઈ રહ્યું છે. આવતા દિવસોમાં અનેકાનેક ગૌવંશને સાચવી લેવાની તૈયારી થઈ રહી છે. પ્રતિદિન પાંચ-દશ ગૌવંશ એટલે કે ગાય, વાછરડા, આખલા અને બળદો અહીં જુદા-જુદા ગામથી આવી રહ્યા છે. આ ગૌશાળાના લાભાર્થે મુંબઈના કાંદીવાલીમાં ગત જાન્યુઆરીનાં ગૌભક્ત દાનવીર વીરજી દેવરાજ ગડા (પાનેરી-લાકડીયા)ના પ્રમુખ સ્થાને એક લોક ડાયરાનું આયોજન  કરવામાં આવ્યું હતું. આ અવસરે ગુજરાતના માજી નાણામંત્રી બાબુભાઈ મેઘજી શાહ, ભાજપ નેતા અને પૂર્વ સંસદ સભ્યશ્રી ગોપાલ શેટી, મનોજ કોટક અને મહારાષ્ટ્ર ચારકોમના ધારાસભ્ય યોગેશ સાગર ઉપસ્થિત રહ્યા હતા. કચ્છના લોકનેતા, પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર અને પૂર્વ કચ્છના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ શુભેચ્છા પાઠવી હતી. આ અવસરે પૂર્વ કચ્છના ધારાસભ્ય, ક્ષત્રિય શ્રેષ્ટી વિરેન્દ્રસિંહ જાડેજાએ 5,55,555નું અનુદાન ગૌસેવામાં અર્પણ કર્યું હતું. અનેક ગૌપ્રેમી, જીવદયાપ્રેમી, શ્રીષ્ટી રત્નોએ લાખોનું અનુદાન જાહેર કર્યું હતું. કચ્છની લોકગાયિકા ટીના છેડા અને સાથીઓએ ગીત-સંગીતની રમઝટ બોલાવી હતી. મોડી રાત સુધી ચાલેલા ડાયરમાં ભોજન મહાપ્રસાદના દાતાનો લાભ હરખુબેન કરશન ગાંગજી ગીંદરા પરિવારે લીધો હતો. મુંબઈ મહાનગરપાલિકામાં ચૂંટાયેલા નગરસેવકો ધવલ વોરા, શ્રીમતી સાંગોરે અને બાલ તાવડેજીને સન્માનીત કરવામાં આવ્યા હતા. ડર જેટલા વિશેષ અતિથિ આમંત્રીતો અને મુંબઈમાં રહેતા વાગડપ્રદેશના ઓશવાળ, ક્ષત્રિય, આહિર, રાજપૂત ક્ષત્રિય, બ્રાહ્મણ, પટેલ અને અનુસૂચિત જાતિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd