નવી દિલ્હી, તા. 10 : એઆઈ (આર્ટીફિશિયલ
ઈન્ટેલીજન્સ) દ્વારા તૈયાર કરાયેલી સામગ્રી માટે કેન્દ્ર સરકારે આજે સોશિયલ મીડિયા
પ્લેટફોર્મ્સને એક આદેશ જારી કર્યો છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે, આવા કોઈપણ કન્ટેન્ટ પર સ્પષ્ટ રીતે લેબલ (વોટરમાર્ક)
લગાવવું ફરજિયાત રહેશે. આવી સામગ્રીની ઓળખ માટે ચોક્કસ નિશાની હોવા જરૂરી છે. સરકારે
સ્પષ્ટ કર્યું છે કે એકવાર એઆઈ લેબલ અથવા મેટાડેટા લગાવી દેવામાં આવે પછી તેને દૂર
કે દબાવી શકાય નહીં તેવા હોવા જોઈએ. વાંધાજનક કન્ટેન્ટ ડીપફેક વીડિયો-તસવીરો ત્રણ કલાકમાં હટાવવા પડશે. સરકારના કહેવા મુજબ હવે માણસ દ્વારા બનાવેલી અથવા
કૃત્રિમ રીતે તૈયાર કરાયેલી માહિતી સ્પષ્ટ રીતે ઓળખી શકાય એવા લેબલ (વોટરમાર્ક) સાથે
દર્શાવવી ફરજિયાત રહેશે. તેમાં એવા તમામ ઓડિયો, વીડિયો,
ફોટો અથવા ગ્રાફિક સહિત કોઈપણ પ્રકારની ડિજિટલ સામગ્રીનો સમાવેશ થાય
છે, જે કમ્પ્યુટર અથવા અન્ય કોઈ સાધન દ્વારા બનાવવામાં,
ફેરફાર કરવામાં અથવા બદલવામાં આવી હોય. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આ બાબત સુનિશ્ચિત
કરવી પડશે કે કોઈપણ યુઝર આવી સામગ્રીનો ગેરકાયદેસર ઉપયોગ ન કરે. જો કોઈ યુઝર ગેરકાયદેસર,
અશ્લીલ, છેતરાપિંડીયુક્ત અથવા બાળકોના યૌન શોષણ
સાથે સંબંધિત સામગ્રી બનાવે કે શેર કરે, તો પ્લેટફોર્મ્સ તેને
રોકવા માટે સ્વચાલિત (ઓટોમેટેડ) ટેકનોલોજીનો ઉપયોગ કરશે. પ્લેટફોર્મ્સે યુઝર્સને ઓછામાં
ઓછાં દર ત્રણ મહિને આ બાબતની ચેતવણી આપવી પડશે કે નિયમોનું ઉલ્લંઘન કરવાથી દંડ અથવા
સજા થઈ શકે છે. જો કોઈ નિયમ તોડશે, તો તેનું ખાતું સસ્પેન્ડ કરવામાં
આવી શકે છે અથવા તેની સામગ્રી દૂર કરવામાં આવી શકે છે. સરકારે કાર્યવાહી માટેની સમયમર્યાદા પણ ઘટાડી છે.
અગાઉ 36 કલાકમાં કાર્યવાહી કરવાની હતી, હવે માત્ર ત્રણ કલાકમાં જાણ કરવી ફરજિયાત બનાવવામાં
આવી છે. ઉલ્લંઘન થતાં જ પ્લેટફોર્મ્સે તરત યોગ્ય કાર્યવાહી કરવી પડશે. આ પગલું ડિજિટલ
મીડિયા ક્ષેત્રમાં સુરક્ષા, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત
કરવા માટે લેવામાં આવ્યું છે. તેના દ્વારા યુઝર્સને એ સમજવામાં મદદ મળશે કે કઈ માહિતી
વાસ્તવિક છે અને કૃત્રિમ રીતે તૈયાર કરાયેલી છે. - પાંચ પોઈન્ટમાં
સમજો : (1) હવે એઆઈ સામગ્રીને ટેગ કરવી
જરૂરી રહેશે. (2) નકલી અને વાંધાજનક એઆઈસામગ્રી
3 કલાકની અંદર દૂર કરવી પડશે. (3) વપરાશકર્તાઓએ જાહેર કરવું પડશે
કે સામગ્રી એઆઈ જનરેટેડ છે
કે નહીં. (4) બાળકો અને ખાનગી છબીઓ સાથે
સંકળાયેલી એઆઈ સામગ્રી પર કડક કાર્યવાહી. (5) જો પ્લેટફોર્મ નિયમોનો ભંગ
કરશે તો તેમને પણ કાર્યવાહીનો સામનો કરવો પડશે.