ભુજ, તા. 10 : કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી
મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઘુસાડવાની અસામાજિક પ્રવૃત્તિઓનું પ્રમાણ વધ્યું છે ત્યારે
વિદેશી દારૂનું ગેરકાયદે વેચાણ કરતા સાત બુટલેગરો સામે પાસાનું શત્ર ઉગામી તેની અમલવારી
માટેના આદેશ જારી કરાયા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલે ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ
અટકાવવા બાબતના અધિનિયમ - 1985 તળે બુટલેગરો
વિરુદ્ધ રજૂ થયેલ દરખાસ્ત મુજબ વધુ 7 બુટલેગરો વિરુદ્ધ પાસા કાયદા તળે જેલ હવાલે કરવા અટકાયત હુકમો
કર્યા છે. પોલીસતંત્રની સાથે મહેસૂલી વિભાગે કડક વલણ અમલી કરતાં ધંધાર્થીઓમાં ફફડાટ
ફેલાયો છે. જાહેર વ્યવસ્થા જાળવી રાખવાના હિતમાં કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટે અટકાયત
અંગે વધુ સાત હુકમ કરવાની સાથે છેલ્લા 11 માસમાં 26 જેટલા બુટલેગરોના
પાસા અટકાયતના હુકમો કરવામાં આવ્યા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય
છે કે, દારૂ-જુગાર સહિતની બદીઓ સામે પોલીસ અને વહીવટી
તંત્રે પોતાનો સકંજો વધુ કડક બનાવ્યો છે. સમયાંતરે સરકારના પગલાંનું પ્રમાણ પણ વધ્યું
છે.