• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

આજથી સંસદમાં કાર્યવાહી શરૂ થશે કે ફરી ધમાલની ભેટ ચડશે ?

રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ વિપક્ષી સભ્યોએ લોકસભામાં ધાંધલ-ધમાલ અને બહિષ્કાર કર્યા પછી હવે વિપક્ષમાં ઘણા સભ્યો સોમવારથી કાર્યવાહીમાં સામેલ થવા માગે છે. આ બાબતે નિર્ણય લેવા સોમવારે સવારે વિપક્ષી નેતાઓની બેઠક મળનાર છે. કોંગ્રેસનું વલણ ત્યારે જાણવા મળશે. લોકસભાની બજેટ બેઠકમાં ધમાલના કારણે હજુ સુધી બજેટની ચર્ચા પણ પૂરી થઈ નથી. રાષ્ટ્રપતિજીના મંગળ પ્રવચન બદલ આભાર માનતી દરખાસ્ત ઉપર ચર્ચા થાય ત્યારે સભ્યો પોતાના વિસ્તાર-ક્ષેત્રની સમસ્યાઓની રજૂઆત કરી શકે છે. ચર્ચાના વિષયની મર્યાદા હોતી નથી, પણ રાહુલ ગાંધીએ સેનાના પૂર્વ વડાના અપ્રકાશિત પુસ્તકમાંથી કેટલીક માહિતી ટાંકવાનો આગ્રહ રાખ્યો અને સ્પીકરે મંજૂરી નહીં આપતાં ધમાલ શરૂ થઈ હતી. સ્પીકરે કેટલાક સભ્યોને સસ્પેન્ડ પણ કર્યા. આ દરમિયાન કેંગ્રેસના કેટલાક મહિલા સભ્યોએ વડાપ્રધાનની બેઠક સુધી ધસી જવાનો પ્લાન કર્યો હોવાની માહિતી - અથવા અણસાર આવી ગયો હોવાથી સ્પીકરે વડાપ્રધાન ગૃહમાં આવે નહીં એવું સૂચન કર્યું હતું. આ બધી ધમાલના કારણે ગૃહમાં કાર્યવાહીના 19 કલાકો વેડફાઈ ગયા. હવે ઘણા સભ્યોની લાગણી અને માગણી એવી છે કે, કાર્યવાહીમાં ભાગ લેવો જોઈએ. સૌને પોતાના ક્ષેત્રના પ્રશ્નો રજૂ કરવાની તક ગુમાવવી પરવડે નહીં. સ્પીકરને મળીને સભ્યોના સસ્પેન્શન રદ કરવાની વિનંતી થશે. વિપક્ષી સભ્યો કાર્યવાહીમાં સહકાર આપતા હોય તો સ્પીકર સસ્પેન્શન પાછું ખેંચવા તૈયાર હશે એમ જણાય છે. કોંગ્રેસને સંબંધ છે ત્યાં સુધી સભાત્યાગ અને બહિષ્કારથી પબ્લિસિટી મળી, પણ વડાપ્રધાને રાજ્યસભામાં વિપક્ષ અને રાહુલ ગાંધી ઉપર જે આકરા પ્રહાર કર્યા છે, તેનો `જવાબ' આપવાની તક ગુમાવી છે. હવે કાર્યવાહી શરૂ થાય તો પણ અપ્રકાશિત પુસ્તકની માહિતી ટાંકવાની પરવાનગી મળશે ? રાહુલ ગાંધી પુસ્તકની માહિતીનો સંદર્ભ બદલીને એવો પ્રચાર કરે છે કે, વડાપ્રધાને લશ્કરી પગલાંની જવાબદારી લીધી નહીં - અને સેનાના વડા જનરલ નરવણેને કહ્યું - યોગ્ય લાગે તે નિર્ણય કરો. આમાં કાંઈ જ ખોટું નથી, પણ રાહુલ ગાંધી કૂપ્રચાર કરી રહ્યા છે. સંસદની કાર્યવાહીના રેકોર્ડ ઉપર મૂકવા માગે છે, તેથી સ્પીકરે મંજૂરી આપી નથી. સોમવારે સંસદનું સત્ર શરૂ થાય ત્યારે જેની કાગડાળે રાહ જોવાય છે એ વડાપ્રધાન મોદીના સમાપન ભાષણ પર નજર રહેશે. કોંગ્રેસે ગતિરોધ ઊભો કરીને દેશના મીડિયામાં હાજરી પૂરાવી દીધી છે, પણ વડાપ્રધાનના જવાબ પછી ઉપપ્રશ્નો પરથી ધ્યાન હટીને નરેન્દ્ર મોદીના વકતવ્ય પર જશે. વિરોધ પક્ષોના એક-એક તીરનો સજ્જડ જવાબ આપવામાં તેઓ માહેર છે. તેમના પ્રહારો વિપક્ષો સહન કરી શકશે કે પછી ફરી તેમાં અવરોધ ઊભો કરીને ધાંધલ-ધમાલ કરશે ? આમ પણ દેશની જનતા વિપક્ષો પાસે રચનાત્મક વિરોધની આશા રાખે છે. ટકરાવની રાજનીતિ દેશના વિકાસને અવરોધે છે એ બધા જાણે છે, તેમ છતાં સંસદના સત્રોમાં ગતિરોધ સર્જાતા રહે છે એ નિવારવાની જવાબદારી પણ વિપક્ષી નેતાઓની છે. 

Panchang

dd