• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

સ્પીકર સામે વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે

નવી દિલ્હી, તા. 10 : વિપક્ષે લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ આક્રમકતા અખત્યાર કરી લીધી છે. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈનાં વડપણમાં વિપક્ષનાં 120 સાંસદ સ્પીકર વિરુદ્ધ અત્યંત પક્ષપાતી વ્યવહાર, વિપક્ષી નેતા રાહુલ ગાંધીને બોલવા ન દેવા અને સાંસદોનાં સસ્પેન્શનના આરોપો સાથે આજે સ્પીકરને પદ પરથી હટાવવા માટે ઠરાવ લાવવાનો અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે. અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ મળતાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ લોકસભા સચિવાલયને નોટિસની ચકાસણી કરીને તેનાં ઉપર ઝડપી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્દેશ આપી દીધો છે. આજે સંસદીય બાબતોના મંત્રી રિન રિજિજુ સાથેની બેઠકમાં મુદ્દો નહીં ઉકેલાતાં વિપક્ષોએ નોટિસ રજૂ કરી હતી. કોંગ્રેસ તરફથી લાવવામાં આવેલા આ અવિશ્વાસ પ્રસ્તાવમાં તેને તૃણમૂલ કોંગ્રેસનો સાથ મળ્યો નથી. લોકસભામાં કોંગ્રેસના ઉપનેતા ગૌરવ ગોગોઈ, કોંગ્રેસનાં મુખ્ય સચેતક કોડિકુનિલ સુરેશ અને સાંસદ મોહમ્મદ જાવેદ તથા અન્ય તરફથી લોકસભા સચિવાલયને આ નોટિસ સોંપવામાં આવી હતી. આ નોટિસ મળ્યા બાદ લોકસભા અધ્યક્ષે પોતાના વિરોધી આ અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ઝડપથી કાર્યવાહી કરવા માટે સચિવાલયને નિર્દેશ આપ્યો હતો. આ નોટિસમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે સહિતના અન્ય વિપક્ષી દળોના કુલ 118 સાંસદે હસ્તાક્ષર કરેલા છે. બંધારણના અનુચ્છેદ 94(સી) હેઠળ આ પ્રસ્તાવની નોટિસ લોકસભા સચિવાલયને પાઠવવામાં આવી છે. આ નોટિસ મળ્યા બાદ બિરલાએ પોતાને સદનની કાર્યવાહીનાં સંચાલનથી અળગા કરી લીધા છે અને આજે તેઓ ગૃહનું સંચાલન કરવા માટે આસન ઉપર આવ્યા ન હતા. ઓમ બિરલાને હટાવવા માટેના આ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસમાં રાહુલ ગાંધીએ હસ્તાક્ષર કર્યા નથી. કોંગ્રેસે આ વિશે કહ્યું હતું કે, સંસદીય લોકતંત્રની ગરિમાને ધ્યાને રાખતા વિપક્ષી નેતા દ્વારા આ નોટિસમાં હસ્તાક્ષર કરવા અયોગ્ય હોવાનાં કારણે તેમણે સહી કરેલી નથી.  ઉલ્લેખનીય છે કે, સોમવારે મળેલી બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસ, ડાબેરી, ડીએમકે, સપા, રાજદ, શિવસેના(ઉદ્ધવ), એનસીપી (શરદ પવાર) સહિતના પક્ષના નેતાઓએ ભાગ લીધો હતો. ગત તા.2 ફેબ્રુઆરીના રાહુલ ગાંધીને પૂર્વ સેના પ્રમુખ નરવણેના અપ્રકાશિત સંસ્મરણનાં પુસ્તક સંબંધિત મુદ્દો ઉઠાવવા માટે મંજૂરી અપાઈ નહોતી અને પછી સદનની અવમાનના સબબ વિપક્ષના આઠ સાંસદને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હતા. ત્યારથી સંસદની કાર્યવાહીમાં મડાગાંઠ સર્જાયેલી છે. વિપક્ષના આરોપ છે કે, સ્પીકર પક્ષપાતી વલણ અપનાવીને વિપક્ષના નેતાઓને બોલવા દેતા નથી. આજે પણ લોકસભાની કાર્યવાહી શરૂ થવા સાથે જ હંગામો થયો હતો અને તેના હિસાબે 12 વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. - અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય ન આવે ત્યાં સુધી સદનમાં નહીં આવું : બિરલા : નવી દિલ્હી, તા. 10 : લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સામે વિપક્ષો દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લવાયા બાદ બિરલાએ કહ્યું હતું કે, જ્યાં સુધી આ મુદ્દા પર નિર્ણય ન આવે ત્યાં સુધી તેઓ ગૃહમાં પ્રવેશ કરશે નહીં. અલબત્ત, આવો કોઈ નિયમ નથી. અત્રે નોંધનીય છે કે, લોકસભામાં ડેપ્યુટી સ્પીકરનું પદ પહેલાંથી જ ખાલી છે, ત્યારે સ્પીકર નહીં આવે ત્યાં સુધી સદનની કાર્યવાહી કઈ રીતે ચાલશે તે બાબતે સવાલો સર્જાયા છે. એક મીડિયા હેવાલ મુજબબિરલાએ નિર્ણય લીધો હતો કે, જ્યાં સુધી અવિશ્વાસ પ્રસ્તાવના મામલે કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી તે ખુરશી પર નહીં બેસે. જો કે, સરકાર કે વિપક્ષ તેમને સમજાવવાનો પ્રયાસ કરે તો પણ તેઓ ગૃહમાં પ્રવેશ કરશે નહીં તેમ પણ સ્પષ્ટ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ, લોકસભા સ્પીકરે સેક્રેટરી જનરલ ઉત્પલ કુમાર સિંહને તેમને પદ પરથી દૂર કરવા માટે પ્રસ્તાવ લાવવા અંગે વિપક્ષની નોટિસની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.  

Panchang

dd