• સોમવાર, 23 નવેમ્બર, 2026

-ને કિલ્લોલતા પરિવારનો માળો વિંખાઈ ગયો...

ભુજ, તા. 22 : થોડા જ કલાકો પૂર્વે વડીલ માતા-પિતાએ તેના આર્મીના જવાન પુત્ર-પુત્રવધૂ અને ત્રણ માસની માસૂમ પૌત્રી સાથે પ્રવાસ દરમ્યાન આનંદની ક્ષણો વીતાવી હતી, તેમના ઉપર અચાનક જીવનભર કોરી ખાનારી ગમગીનીનાં વાદળો છવાઈ ગયાં છે. ગઈકાલના વેકરિયા રણ પાસે ગમખ્વાર અકસ્માતની કરુણતા હચમચાવી મૂકનારી છે. ભુજ લશ્કરી મથકના ત્રણ પરિવાર બે કાર લઈને સફેદ રણનો પ્રવાસ કરી પરત ફરતા હતા અને વેકરિયાના રણ પાસે એક કારને ગોઝારો અકસ્માત નડતાં ત્રણ બાળક સહિત બે મહિલા, બે પુરુષ કાળનો કોળિયો બનતાં ભુજનું લશ્કરી મથક શોકમગ્ન બન્યું છે. છેલ્લા દસ-બાર વર્ષથી ભારતીય આર્મીમાં જવાન તરીકે સેવા આપતા અને ભુજમાં બે વર્ષથી ગઢવાલ રેજિમેન્ટના નાયક સૌરવ જસપાલ નેગીના પિતા જસપાલ નેગી સાથે કચ્છમિત્રએ વાતચીત કરી હતી, ત્યારે વડીલે રડમસ સ્વરે વિગતો વર્ણવી હતી. ત્રણ પુત્રમાં સૌરવ સૌથી મોટો પુત્ર હતો. ભુજના લશ્કરી મથકના ક્વાર્ટરમાં સાથે રહેતા આર્મીના ત્રણ પરિવારના 12 સભ્ય બે કાર લઈને રવિવારે સફેદ રાણના પ્રવાસે નીકળ્યા હોવાનું મૂળ ઉત્તરાખંડ ગઢવાલ ક્ષેત્રના જસપાલ નેગીએ જણાવ્યું હતું. રાતે ખાવડા માર્ગેથી બન્ને કાર પરત ભુજ આવી રહી હતી. એક કારમાં તે તથા તેમના પત્ની અને અન્યો હતા, જ્યારે અન્ય કારમાં તેના પુત્ર સૌરવ સાથે પત્ની અને પૌત્રી તથા અન્યો સવાર હતા. પુત્રની કાર પેટ્રોલ ભરાવતાં પાછળ રહી ગઈ હતી અને તેમની કાર ભુજ પહોંચી ત્યારે જસપાલ નેગીને ફોન આવ્યો કે તમારી સાથેની અન્ય કારને અકસ્માત નડયો છે, તમે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ પહોંચો... વડીલ હોસ્પિટલ પહોંચતાં જ દુ:ખદ સમાચાર કાને અથડાતાં પગ તળેથી જમીન સરકી પડી હતી. કારને વેકરિયાના રણમાં ગોગા મંદિર પાસે ટ્રક સાથે અકસ્માત નડતાં કારમાં સવાર સાતેયનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનાએ દેશભરમાં અરેરાટી જગાવી. વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંત મોરારિબાપુએ આઘાત વ્યક્ત કરીને હતભાગી પરિવારને સાંત્વના પાઠવી હતી.- ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ : દરમ્યાન સાતનો ભોગ લેનારા આ ગોઝારા માર્ગ અકસ્માતના બનાવ અંગે આજે ધોરડો પોલીસ મથકે આર્મીના ગઢવાલ રાયફલ્સના સુબેદાર અજયપાલસિંહ અકતારસિંહે નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે તેમને અકસ્માત અંગેનો ફોન આવ્યો હતો. અન્ય જવાનો સાથે તે પણ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં આવ્યા હતા. વાતચીતમાં વિગતો મળી હતી કે, સૌરવસિંહ જશપાલસિંહ નેગી તથા રાજેન્દ્રસિંહ ભારતાસિંહ રાવત પરિવાર સાથે ખાવડા બાજુથી હ્યુંડાઈની સફેદ કાર નં. યુકે-07-ડીવી-8198થી પરત ભુજ આવતા હતા, ત્યારે વેકરિયાના રણ ગોગા મંદિર પાસે રાતે 9:30 વાગ્યાના અરસામાં ટ્રક નં. જીજે-39-ટીસી-4851વાળા પૂરઝડપે બેદરકારીથી ટ્રક ચલાવી કાર સાથે અકસ્માત સર્જતાં કારમાં સવાર સૌરવસિંહ (30) અને તેમના પત્ની સવિતા (31) અને તેમના પુત્રી સિવિકા (બે માસ) તથા જવાન રાજેશાસિંહ (34), તેમના દીકરી રક્ષિતા (7) અને નીતિન ગુંસાઈના પત્ની રિંકીબેન (30) અને તેમની પુત્રી વામિકા (4)નું મૃત્યુ થયું છે. પોલીસે ટ્રેઈલર-ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.   

Ram Katha

Vyapar Utsav

Panchang

dd