ભુજ, તા. 21 : શનિવારે રાતે વેકરિયાનાં રણ
પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ નાનાં બાળકો સહિત સાત લોકોનાં
ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોતથી અરેરાટી વ્યાપી છે. હતભાગીઓ ભારતીય આર્મી સાથે જોડાયેલા
પરિવારના હોવાનું ઘટનાસ્થળેથી પ્રાથમિક વિગતો આપતાં જિલ્લા પોલીસ અધીક્ષક વિકાસ સુંડાએ
જણાવ્યું હતું. રાત્રે દસેક વાગ્યાના અરસામાં થયેલા ગમખ્વાર અકસ્માતની ખબર ફેલાતાં
જ અરેરાટી ફેલાઈ હતી. પશ્ચિમ કચ્છ પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો
અને પરિસ્થિતિ હાથ ધરી હતી. આ દુર્ઘટના ટ્રકને ઓવરટેક કરવા જતાં સર્જાઈ હોવાનું એસ.પી.એ
પ્રાથમિક તારણ આપતાં જણાવ્યું હતું. કચ્છમાં પ્રવાસન અને ઔદ્યોગિક પ્રવૃત્તિની ધૂમ
મચી છે ત્યારે માર્ગો રક્તરંજિત બની રહ્યા છે. અહીં એ નોંધનીય છે કે, ગયા મહિને ઓક્ટોબરની 8મી તારીખે આર.ઈ. પાર્કના રોડ પર બોલેરો
પિકઅપ અને બલ્કર વચ્ચે ટક્કર થતાં સાત શ્રમિકે જીવ ગુમાવ્યો હતો અને 25 અન્ય ઘવાયા હતા. આ લખાય છે
ત્યારે રાત્રે 12:00 વાગ્યા સુધી હતભાગી પરિવારની
ઓળખ થઈ શકી નથી. પોલીસના અધિકૃત સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટૂરિસ્ટ નહીં, પરંતુ ભુજ લશ્કરી મથકના સૈનિકના પરિવારજનો હોવાની
સંભાવના છે. તમામ હતભાગી એક જ પરિવારના છે. એમની મુલાકાતનો હેતુ જાણવા નથી મળ્યો. અમારા
ભીરંડિયારીના પ્રતિનિધિ અલી રાયશીપોત્રાએ અકસ્માતનાં સ્થળેથી જણાવ્યું કે, વેકરિયા રણ પાસેના માર્ગે બૂકડો બની ગયેલી ગાડીના ટૂકડા અને મૃતદેહોથી ભયાવહ
દૃશ્યો રચાયાં હતાં. અકસ્માત એટલો જોરદાર હતો કે, કારમાં બેઠેલા
કોઈ બચી શક્યા નથી. ભૂલકાંઓના મૃતદેહો જોઈને ભલભલાનાં કાળજાં કમકમી ઊઠયાં હતાં. કાર
નં. યુ.કે.-07-ડી.વી.- 8198 ખાવડાથી ભુજ તરફ આવી રહી હતી
અને ટ્રક નં. જી.જે.-39-ટી.સી.-4851 ભુજથી ખાવડા બાજુ જતી હતી.
કાર ઓવરટ્રેક કરવા જતાં સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી અને આ ગોઝારો અકસ્માત
સર્જાયાની પ્રાથમિક વિગતો મળી છે. આ ગોઝારી દુર્ઘટનાનાં પગલે જિલ્લા પોલીસ અધીક્ષક
વિકાસ સુંડા, નાયબ પોલીસ અધીક્ષક ડો.
વિશ્વા શાહ અને ધોરડો પોલીસ મથકના એમ. બી. ચાવડા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી
ગયો અને બનાવની વિગતો મેળવી હતી. હતભાગી પરિવારની ઓળખ અંગે દોડધામ કરી હતી. બીજી તરફ
બનાવનાં પગલે સ્થાનિક લોકો પણ ભોગગ્રસ્તોની મદદે પહોંચ્યા હતા, પરંતુ અકસ્માત અત્યંત ભયંકર હોવાનું લોકોએ જણાવ્યું હતું. બીજી તરફ આર્મીના
જવાનો અને સંબંધિત પરિવારના પરિચિતો રાતે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
આ ઉપરાંત મદદ અર્થે સેવાભાવી યુવાનો પણ હોસ્પિટલ ધસી ગયા હતા. - આ છે અકસ્માતના
હતભાગીઓ : 32 વર્ષના આર્મી ગઢવાલ રેજિમેન્ટના જવાન સૌરભસિંહ જસપાલસિંહ નેગી
અને તેમના પત્ની સવિતા નેગી, તેમની
ત્રણ મહિનાની માસૂમ દીકરી સિવિકા, રાજેશ રાવત અને તેમની દીકરી
રક્ષિતા તથા રિન્કી નીતિન ગુસાઈ અને નાની બાળકી વામિકા નીતિન ગુસાઈ. - કચ્છમાં ગમખ્વાર
અકસ્માતોની તવારીખ : ભુજ, તા. 21 : કચ્છમાં પ્રવાસન અને ઔદ્યોગિક
એકમોના પગલે વાહનોની અવર-જવર વધી છે. આથી કચ્છના માર્ગ પર અકસ્માતના બનાવો પણ વધ્યા છે. વીતેલા દાયકા દરમ્યાન અનેક ગોઝારી
દુર્ઘટનાઓ ઘટી ચૂકી છે. હજુ એકાદ માસ પૂર્વે જ ખાવડાના આર.ઇ. પાર્કના રોડ પર બોલેરો
પિકઅપ બલ્કર વચ્ચેની ટક્કરમાં સાત શ્રમિકનાં મોત થયાનો બનાવ તાજો જ છે, ત્યાં ફરી વેકરિયાના રણ પાસે ટ્રક-કાર વચ્ચેના
ગમખ્વાર અકસ્માતમાં ત્રણ બાળકો સહિત સાતના કમકમાટીભર્યાં મોતના દુ:ખદ સમાચાર સામે આવ્યા
છે. કચ્છમાં આવા જીવલેણ અકસ્માતની તવારીખના સિલસિલાવર અહેવાલો... 21 ફેબ્રુ., 2025ના કેરા પાસે
મિની લકઝરી બસ અને ટ્રેઇલરની ટક્કરમાં છ લોકોનાં મોત નીપજ્યાં હતાં. - 4 ફેબ્રુ., 2024ના લાકડિયા
પાસે ટ્રેઇલર-કારની ટક્કરમાં છ લોકો કાળનો કોળિયો બન્યા હતા. - 12 એપ્રિલ, 2024ના પદ્ધર નજીક પુલિયામાં વાહન
અથડાતાં માધાપરના સોની પરિવારના ચાર લોકોનો જીવન દીપ બુઝાયો હતો. - 28 એપ્રિલ, 2025ના પાલારા
પાસે બે ટ્રેઇલર-મોટરસાઇકલની ટક્કરમાં એક જ પરિવારના ત્રણ લોકો મોતને ભેટયા હતા.- 30 ડિસે., 2018ના ભચાઉના
ચીરઇ પાસે ડમ્પર-ટ્રેઇલર અને કારના ત્રેવડા અકસ્માતમાં ભુજના કોટિયા પરિવારના 10 લોકોનો જીવનદીપ બુઝાયો હતો.
- 15 જુલાઇ, 2019ના કચ્છના
ઇતિહાસની સૌથી ગોઝારી માર્ગ દુર્ઘટનામાં માનકૂવા પાસે ટ્રક-બાઇક અને છકડાની ટક્કરમાં
બાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. - 14 જુલાઇ, 2018ના લોરિયા
પાસે ખાનગી બસ અને કારની અથડામણ નવ યુવાનો માટે જીવલેણ બની હતી. - 26 સપ્ટેમ્બર, 2016ના સૂરજબારી
પુલ પાસે માતાના મઢ જતા આઠ પદયાત્રિકો પર ટેન્કર ફરી વળતાં તમામનાં મોત નીપજ્યાં હતાં.
- 5 ઓગસ્ટ, 2018ના ખેતરે
મજૂરીકામ પર જઇ રહેલા શ્રમિકો સામત્રા પાસે છકડો-ટ્રકની ટક્કરમાં મોતને ભેટયા હતા.
- આ જ દિવસે આડેસર પાસે ટેમ્પો-પોલીસ બસની
ટક્કરમાં લૌકિકક્રિયા માટે જતા પરિવારના ચાર લાકોનાં મોત થયાં હતાં. - 8 મે, 2022ના માળિયા
પાસે કચ્છથી પરત ફરતી કારનું ટાયર ફાટતાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં. - 16મી ઓગસ્ટ, 2016ના રહોડી
પાસે કાર પલટતાં ચાર લાકોનાં મોત નીપજ્યાં હતાં. - 28 એપ્રિલ, 2016ના બાદરગઢ પાસે જીપ-ડમ્પર અથડાતાં
ચાર લોકો મોતને ભેટયા હતા. - 2015ની 8 ડિસેમ્બરના સામખિયાળી પાસે કાર કન્ટેનરમાં
ઘૂસી જતાં અંજારના વકીલ પરિવારના પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં.