• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

મોટા કાંડાગરામાં રૂા. 15.54 લાખના ગાંજા સાથે બે જબ્બે

ભુજ, તા. 11 : મુંદરા તાલુકાના મોટા કાંડાગરામાં શ્રમજીવીઓની વસાહતની ઓરડીમાં માદક પદાર્થ ગાંજાના વેચાણની બાતમીના પગલે એસઓજીએ દરોડા પાડી રૂા. 15.54 લાખના ગાંજા સાથે બે શખ્સને ઝડપી લીધા હતા, જ્યારે આ કામનો મુખ્ય સૂત્રધાર દરોડા દરમ્યાન હાજર મળ્યો ન હતો. કચ્છમાં ઉદ્યોગોના પગલે પરપ્રાંતીયો અને ભારે વાહનોની અવર-જવર વધી છે. જેને લઈને કચ્છમાં વ્યસનની બદીનો ગ્રાફ ઊંચકાયો છે. છાશવારે ભારે વાહનચાલકો અને શ્રમજીવી તરીકે કામ કરતા પરપ્રાંતીયો માદક પદાર્થ સાથે ઝડપાતા રહે છે. આ વચ્ચે મોટા કાંડાગરામાં પણ બાવાજીવાળી લેબર કોલોનીની ઓરડીમાં શિવમ ઉર્ફે ગોલુ અને વિવેક નામના બે બિહારી છોકરા ગાંજાનું વેચાણ કરે છે, તેવી બાતમી ગઈકાલે રાતે એસઓજીને મળતાં દરોડા પડાયા હતા. એસઓજીની ટીમે બાતમીવાળી જગ્યાએ જરૂરી કાગળો અને પંચોને સાથે રાખી દરોડો પાડતાં ત્યાં વિવેકકુમાર રાજેશ ચૌહાન અને સચિનકુમાર ઉમેશ ચૌધરી (રહે. બન્ને મૂળ બિહાર) મળી આવ્યા હતા. ઓરડીની તપાસમાં માળિયા પર ત્રણ થેલામાંથી પેક કરેલો માદક પદાર્થ ગાંજાનો જથ્થો 31.080 કિલોગ્રામ જેની કિં. રૂા. 15,54,000 અને એક મોબાઈલ કિં. રૂા. 5000 એમ કુલ રૂા. 15,59,000ના મુદ્દામાલ સાથે બન્નેને ઝડપી  લેવાયા હતા. બન્નેની પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે, ગાંજાનું વેચાણ કરવા તેમણે આ માલ રાખ્યો હતો. શિવ ઉર્ફે ગોલુ ચૌધરીના કહેવાથી ગાંજો રાખ્યાનું અને આ ગાંજો તે લાવ્યાનું જણાવ્યું હતું. આમ એસઓજીએ ત્રણ વિરુદ્ધ મુંદરા પોલીસ મથકે એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં એસઓજીના પીઆઈ એ.ડી. પરમાર, પી.કે. ઝાલા, પીએસઆઈ આર.એલ. ચૌધરી, એ.એસ.આઈ. ચેતનસિંહ જાડેજા, રઝાકભાઈ સોતા, સિદ્ધરાજસિંહ ઝાલા, માણેકભાઈ ગઢવી, મીરાબેન ગઢવી, હે.કો. ગોપાલભાઈ ગઢવી, ભાવેશભાઈ ચૌધરી, પૃથ્વીરાજસિંહ વાઘેલા, કોન્સ. દિનેશભાઈ ચૌધરી, વનરાજસિંહ જાડેજા, સ્વરૂપસિંહ જાડેજા તથા ડ્રાઈવર કોન્સ. મિતેશ રાજગોર જોડાયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd