• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

નખત્રાણા : ચાર દિ'માં પીજીવીસીએલના માલ-સામાનની ચોરીનો બીજો બનાવ

નખત્રાણા, તા. 6 : અહીંની પીજીવીસીએલ વીજકચેરીના પાછળના કમ્પાઉન્ડમાંથી ચોરીનો બનાવ તાજો છે, ત્યારે અર્ચના સ્કૂલ પાસેના અન્ય ગોદામમાંથી પણ 8.40 લાખના વાયરના ફિંડલા સહિતના માલ-સામાનની ચોરી થયાનો બીજો બનાવ સામે આવ્યો છે. પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર રણજિતસિંહ જાડેજાએ ગઈકાલે નખત્રાણા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ અર્ચના સ્કૂલ બાજુમાં તેમના કબજાના વાડામાં પીજીવીસીએલનો જૂનો-નવો માલસામાન રાખેલો છે. તા. 3/9ના રાત સુધી તે તથા તેના કાકાઈ ભાઈ વાડા પર હતા. બીજા દિવસે સવારે વાડાના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હતા અને ડીવીઆર પણ મળ્યા નહીં. સામાન ચકાસતાં જૂના તથા નવા એલ્યુમિનિયમના વીજતારના ફિંડલા આશરે 4થી 4.5 ટન જેની કિં. રૂા. 8,40,000ની ચોરી થયાનું સામે આવ્યું છે. અમારા વાડામાં મજૂરી અર્થે છેલ્લાં બે વર્ષથી રહેતા રાજસ્થાનના સરાજ અનવર, રહીશ કઠાત, બાબુ અનવર અને ઈકબાલ કઠાત હાજર મળ્યા નહીં. આથી ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ આદરી હતી. દરમ્યાન સંબંધિત સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ આ ચોરાઉ માલસામાન ભરેલો ટેમ્પો ભુજ તરફના માર્ગે જતો હોવાનું અંગિયા નજીકના ટોલનાકાના સીસીટીવી કેમેરામાં કેદ થયું છે. આ ચોરીનો બનાવ જાણભેદુની મિલીભગતથી થયાની શંકા સેવાઈ રહી છે.  

Panchang

dd