• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

ચંદિયાના ત્રણ યુવાનના માર્ગ અકસ્માતમાં કરુણ મોત

અમદાવાદ, તા. 6 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાધનપુર-વારાહી નેશનલ હાઈવે નંબર-27 પર ગત મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ખાટુશ્યામનાં દર્શન કરીને પરત ફરી રહેલા અંજારના પરિવારની ઈકો કાર રસ્તા પર ઊભેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી જતાં અંજાર તાલુકાના ચંદિયાના સુનીલ લક્ષ્મણભાઈ ચાવડા, મહેશ ઉર્ફે વિષ્ણુ અંબુભાઈ મેતા (આહીર) અને  મૂળ ખેડોઈના શક્તિસિંહ બહાદુરસિંહ જાડેજાના ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક કિશોર સહિત 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે ધારપુર મેડિકલ કોલેજ, પાટણ ખસેડવામાં આવ્યા છે. આ ગોઝારા અકસ્માત અંગે મળેલી માહિતી મુજબ, અંજારના મિત્રવર્તુળનો પરિવાર ખાટુશ્યામ મંદિરથી દર્શન કરીને ઈકો કાર નં. જી.જે.-39-સી.ડી.-1712માં પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન રાધનપુર-વારાહી હાઈવે પર રોડના કિનારે ઊભેલી ટ્રક નં. જી.જે.-08-ઝેડ.- 7017ની પાછળ ઈકો કાર ઘૂસી જતાં ઈકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ત્રણ લોકોનાં સ્થળ પર જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને ઘટનાસ્થળે સ્થાનિક લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. દરમ્યાન અંજારના ચંદિયા સુધી આ સમાચાર પહોંચતાં પરિજનો તથા મિત્રવર્તુળોમાં ગમગીની છવાઈ હતી. ચંદિયાના સ્થાનિકો પાસેથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ચંદિયામાં દુકાન ચલાવતા મૂળ ખેડોઈના શક્તિસિંહ પાસે સુનીલ કામ કરતો હતો. મહેશ ઉર્ફે વિષ્ણુ જેસીબી ચલાવતો હતો. આ મિત્રવર્તુળ પરિવાર સાથે તા. 2/9ના ઈકો ગાડીથી રાજસ્થાન ફરવા ગયા હતા અને તા. 6/9ના મધ્ય રાતે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોમાં ગોપાલાસિંહ ગોહિલ (ઉંમર 27 વર્ષ), મુકેશ કોળી (ઉંમર 22 વર્ષ), કિશોરાસિંહ જાડેજા (ઉંમર 37 વર્ષ) તેમજ સત્યરાજાસિંહ શક્તાસિંહ જાડેજા (ઉંમર 14 વર્ષ)નો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને સૌપ્રથમ રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ચારેય ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ધારપુર મેડિકલ કોલેજ (પાટણ) ખસેડાયા છે. અકસ્માતની જાણ થતાં જ રાધનપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અકસ્માતગ્રસ્ત ટ્રક વિરમગામથી સાંતલપુર સસ્તા અનાજની દુકાનનો માલ-સામાન ખાલી કરવા જઈ રહી હતી. પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd