• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

ગાંધીધામમાં રખડતા ઢોરે મહિલાને હડફેટે લીધી

ગાંધીધામ, તા. 6 : ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો અને મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ છે. મહિને લાખો રૂપિયા ખર્ચાય છે, પરંતુ તેનું પરિણામનો હેતુ સાર્થક થતો નથી. ગાંધીધામમાં  રખડતા ઢોરે પગપાળા જતી મહિલાને હડફેટે લીધી હતી. આસપાસના લોકો એકઠા થઈ જતા મહિલા ગંભીર ઇજાઓથી બચી ગઈ હતી.  આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને વીડિયો વાયરલ થયો છે. રબારીવાસમાં મહિલા પગપાળા જઈ રહી હતી, ત્યારે રખડતા ઢોરે તેમનો પીછો કરીને અડફેટે લીધી હતી. મહિલાએ રાડારાડ કરતાં. આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ત્યાંથી રખડતા ઢોરને હાંકી કાઢયા હતા.  મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે 188 ચોરસ કિ.મી વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. ઢોર પકડવા પાછળ દર મહિને લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે હેતુ માટે રૂપિયા ખર્ચ થાય છે તે હેતુ સાર્થક થતો નથી, તો પછી તિજોરી ઉપર આટલો મોટો ભાર શું કામ મૂકવામાં આવી રહ્યો છે તે સહિતના સવાલો ઊભા થઈ રહ્યા છે. મેયર તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા રખડતા ઢોરના મામલામાં પગલાં ભરવામાં આવે તે માંગ ઊઠી છે. જોડિયા શહેરોના અલગ અલગ વિસ્તારોમાંથી રખડતા ઢોરને લઈને અનેક ફરિયાદો આવી રહી છે, આ ઉપરાંત અનેક લોકોને ઇજાઓ પહોંચી છે અને સુંદરપુરીની ઘટનાથી ફરી એક વખત આ મુદ્દો ચર્ચાના એરણે ચડયો છે તેવામાં તંત્ર પગલાં ભરે તેવી માંગ ઊઠી છે. - ડીસી પાંચમાં ઢોરવાળો ડૂબમાં છે : દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા રખડતા ઢોરને રાખવા માટે ડીસી પાંચમાં ડમ્પિંગ સાઇડની બાજુમાં જમીનની ફાળવણી કરવામાં આવી છે, ત્યાં મહાનગરપાલિકાએ 40 લાખ રૂપિયા ખર્ચનો શેડ બનાવ્યો છે, પરંતુ જમીન કરતાં આ શેડ પાંચ ફૂટ ઊંડો છે. જો વરસાદ પડે, તો આખો શેડ પાણીથી ભરાઈ જાય તેવી સ્થિતિમાં છે. રોડ રસ્તાનાં કામોમાંથી નીકળેલો મલબો બારોબાર વેચાઈ ગયો, પણ આ ઢોરવાડામાં ભરવામાં આવ્યો નથી. અહીં રખડતા ઢોરને પકડીને રાખી શકાય તેમ નથી, શેડનું કામ પણ નબળું થયું હોવાના આક્ષેપો છે. તંત્ર દ્વારા તપાસ કરીને પગલાં ભરાય તેવી માંગ ઊઠી છે. 

Panchang

dd