ભુજ, તા. 29 : રસ્તાં સોનાંની લાલચ આપી વડોદરાના
પિતા-પુત્ર પાસેથી રૂા. 54.15 લાખ પડાવી
છેતરપિંડી કરનારી છ શખ્સની ટોળકી પૈકીના ચાર આરોપી એલસીબીએ રોકડા રૂા. 32 લાખ સાથે દબોચી લીધા છે. એલસીબીની
ટીમે આ છેતરપિંડીના આરોપીઓ મહમદહનીફ ઉર્ફે મીઠિયો નૂરમામદ સોઢા, અલીમામદ નૂરમામદ સોઢા, અમીન મહમદહનીફ ઉર્ફે મીઠિયો સોઢા
(રહે ત્રણે ભુજ) અને અબ્દુલા ઉર્ફે અબ્દલ મીસરી ઉર્ફે જાની સુમરા (રહે. દહીંસરા,
તા. ભુજ)ને રોકડા રૂા. 32 લાખ તથા પાંચ મોબાઈલ કિં. રૂા. 25000ના મુદ્દામાલ સાથે ફરિયાદના
ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. આ કામના અન્ય આરોપી ઝાકીર ઉર્ફે જાકરિયો મહમદહનીફ
ઉર્ફે મીઠિયો સોઢા (ભુજ) અને અબ્દુલ ઉર્ફે અબ્દલ ખલીફા (અંજાર)ને ઝડપવા પોલીસે ચક્રો
ગતિમાન કર્યા છે. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ ગઈકાલે એ-ડિવિઝન પોલીસ મથકે
રૂા. 54.15 લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ
થતાં તેની આગળની તપાસ પીએસઆઈ એચ.આર. જેઠીને સોંપાઈ હતી. એલસીબીના પીઆઈ એમ.એમ. મકવાણા, પીએસઆઈ શ્રી જેઠીએ આ છેતરપિંડી અંગે સ્ટાફના
કર્મચારીઓ સત્વરે કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપતાં એએસઆઈ શ્યામભાઈ ગઢવી,
હે.કો. કાનજીભાઈ ડોડિયા, રણજિતસિંહ જાડેજા અને
જયદેવસિંહ જાડેજા પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે આ ગુનાના આરોપીને ઝડપી લીધા
હતા.