ભુજ, તા. 4 : શહેરના સંજોગનગરમાં ઘરમાં ઓશીકા
નીચે કોથળીમાં રાખેલી સોનાંની છ વીંટી અને ચેન તથા રોકડ પાકિટની કોઇ ચોર ઇસમ ચોરી કરી
લઇ ગયા અંગેની ફરિયાદ નોંધાઇ છે. એ-ડિવિઝન પોલીસ મથકે ખ્વાજા ચોક, સંજોગનગરમાં રહેતા નિવૃત્ત એવા 68 વર્ષીય હુસૈનભાઇ અદ્રેમાન રાઠોડે
નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 1-7ના રાત્રિના
આશરે બે વાગ્યેના સમયે ફળિયામાંથી ઘરના રૂમમાં સૂવા ગયા હતા. રાબેતા મુજબ પહેરેલી સોનાંની
છ વીંટી તથા ચેઇન સૂતી વખતે કાઢી કોથળીમાં નાખી ઓશીકા નીચે રાખી હતી અને રૂા. 3100 રોકડા તથા ચૂંટણી, આધાર અને પાનકાર્ડ વાળું પાકિટ પણ ઓશીકા નીચે
રાખી સૂઇ ગયા હતા. સવારે સાત વાગ્યે ઊઠી ચા બનાવવા માટે દૂધ લેવા પાકિટમાંથી પૈસા કાઢવા
ઓશીકા નીચે જોતાં પાકિટ જોવા મળ્યું ન હતું અને કોથળીમાંના ઘરેણાએ ગુમ હતા. પથારી તથા
ઘરમાં શોધખોળ કરવા છતાં કયાંય ન મળતાં સોનાંની ત્રણ તોલાની ચેઇન કિં. રૂા. 60 હજાર, એક તોલા, છ ગ્રામ,
આઠ ગ્રામ, ચાર ગ્રામ, પાંચ
ગ્રામ અને ત્રણ ગ્રામની છ વીંટી જેની કુલ કિં. રૂા. 65 હજાર એમ કુલે રૂા. 1.25 લાખના ઘરેણા અને રોકડા રૂા.
3100ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ફરિયાદીના
ઘરમાં ઘૂસી ઓશીકા નીચેથી ચોરી કરી લઇ ગયો હતો. ફરિયાદીએ ઘરેણા વીસેક વર્ષ પહેલાં ખરીદેલા
હતા. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.