નવી દિલ્હી, તા. 4 : અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે શાંતિની વાટાઘાટો ચાલતી હોવાનાં દાવા વચ્ચે ફરી
એકવાર ધમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, ઈરાન પાસે પરમાણુ કરાર સ્વીકારવાની હવે છેલ્લી તક છે, નહીં તો તેને વિનાશનો સામનો કરવાનો આવશે. તેમણે દાવો કર્યો હતો કે,
તેમણે એવા હુમલાને અટકાવ્યો હતો, જે બીજા વિશ્વયુદ્ધ
પછીનો સૌથી મોટો હુમલો બની શક્યો હોત પણ કૂટનીતિને એક છેલ્લી તક આપવા માટે તે હુમલો
રોકી દેવામાં આવ્યો હતો. વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથે વાત કરતાં ટ્રમ્પે જણાવ્યું કે
પ્રાદેશિક શક્તિઓની વિનંતી પર તેહરાન સાથે વાતચીત ચાલી રહી છે. જોકે, ઈરાને વાશિંગ્ટન સાથે કોઈપણ પ્રકારની સીધી વાતચીત ચાલી રહી હોવાનો સ્પષ્ટ ઇનકાર
કર્યો છે. તેના કારણે અમેરિકા-ઈરાન વચ્ચેની કૂટનીતિક સ્થિતિ અંગે અનિશ્ચિતતા વધુ વધી
ગઈ છે અને હવે પ્રશ્ન ઊભો થયો છે કે કોઈ સમાધાન થશે કે પછી ફરીથી સૈન્ય અથડામણ થશે. ટ્રમ્પે કહ્યું હતું કે, હું
ઈરાનને વિનાશ પહેલાં દરેક છેલ્લી તક આપવા માગું છું. સારા કરાર પર હસ્તાક્ષર કરવાની
આ ઈરાન માટે છેલ્લી તક છે. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચેની
વાતચીત હજુ પણ ચાલુ છે અને આ ચર્ચા ઈરાન ઉપરાંત સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને કતારની વિનંતી પર થઈ રહી છે. જોકે, ઈરાનના વિદેશ મંત્રાલયે ટ્રમ્પના આ દાવાને નકારી કાઢ્યો હતો. મંત્રાલયે જણાવ્યું
કે અમેરિકા સાથે કોઈ સીધી વાતચીત ચાલી રહી નથી. હાલ તેમની ચર્ચા માત્ર ઓમાન સાથે થઈ
રહી છે, જે હોર્મુઝ જળમાર્ગમાં સમુદ્રી સુરક્ષા માટેની કામચલાઉ
વ્યવસ્થા અંગે છે.