• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

આદિપુર બસ સ્ટેન્ડમાં એક મહિનાથી ગટર સમસ્યા, મુસાફરો પરેશાન

ગાંધીધામ, તા. 4 : આદિપુર બસ સ્ટેન્ડમાં એક મહિનાથી ગટરની ગંભીર સમસ્યા છે. ચેમ્બરમાંથી દૂષિત પાણી ઊભરાઈને ચોતરફ ફરી વળે છે, જેનાં કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે ફરિયાદ કરવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી, પરંતુ હવે પાલિકા દ્વારા વરસાદ પછી ગટર ચેમ્બરનું કનેક્શન બીજી લાઈનમાં આપવામાં આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ગાંધીધામ કોર્પોરેશન વિસ્તારમાં વ્યાપક ફરિયાદો છે, લગભગ વિભાગોની ઓનલાઈન તેમજ જનસુવિધા કેન્દ્રમાં લોકો ફરિયાદ કરે છે. 1800થી વધુ ફરિયાદો આવી હતી, પરંતુ તેનો યોગ્ય રીતે નિકાલ થતો નથી. જે-તે વિભાગ ઓફિસમાં બેઠા-બેઠા ફરિયાદ સોલ્વ બતાવે છે. જગ્યા ઉપર સમસ્યા હલ થતી નથી. આવું જ આદિપુર બસ સ્ટેન્ડમાં ગટર સમસ્યાના મામલામાં થયું છે. લગભગ એક મહિનાથી ફરિયાદ કરવા છતાં સમાધાન આવતું નથી. જવાબદારો ફરિયાદ કરે એટલે વેક્યુમ આવશે તેવું કહેવામાં આવે છે, ત્યાર પછી ચેમ્બર સફાઈ માટે વેક્યુમ પણ આવતું નથી. અહીં ગંભીર સમસ્યાનાં કારણે રોગચાળાનો પણ ખતરો ઊભો થાય છે. દરરોજ સેંકડો મુસાફરોની બસ સ્ટેન્ડમાં અવર-જવર છે, તે વચ્ચે આ ગટર સમસ્યા મુસીબત બને છે.  આ બાબતે કોર્પોરેશનના સંબંધિત વિભાગનો સંપર્ક સાધવામાં આવતાં તેમના દ્વારા તે લાઈનમાં સમસ્યા છે. વરસાદ પછી બસ સ્ટેસનની ગટરનું નવી લાઈનમાં કનેક્શન આપી સમસ્યાનું સમાધાન લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Panchang

dd