નલિયા, તા. 4 : કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ
મંગળવારે અબડાસા તાલુકાના નલિયા અને કોઠારા સહિતના ગ્રામ્ય વિસ્તારોની ઓચિંતી મુલાકાત
લઈ વહીવટી તંત્રને દોડતું કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે પ્રાથમિક શાળાઓ અને
આંગણવાડી કેન્દ્રોનું નિરીક્ષણ કરવાની સાથે ગ્રામજનોની વર્ષો જૂની સમસ્યાઓ રૂબરૂ સાંભળી
હતી. નલિયામાં યોજાયેલી બેઠકમાં જાગૃત નાગરિકોએ
રજૂઆત કરી હતી કે, લેન્ડ ગ્રાબિંગના
કેસો નોંધાયા હોવા છતાં ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યાં નથી, જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે. કલેક્ટરે આ બાબતે નારાજ થઈ ગ્રામ
પંચાયત અને મહેસૂલ વિભાગ સાથે સંકલન સાધી તાત્કાલિક દબાણ મુક્ત કામગીરી કરવા કડક સૂચના
આપી હતી. આ સાથે જ પંચાયતના કર્મચારી હરેશ રાજગોર દ્વારા 1999થી પડતર વળતરના પ્રશ્ને અને
હાઈકોર્ટના ચુકાદા છતાં ન થયેલી પતાવટ બાબતે પણ રજૂઆત કરાઈ હતી. કલેક્ટરે નલિયામાં
રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે સબસિડી લેતી પાંજરાપોળોમાં ઢોરોને ડબ્બે પૂરવા મામલતદારને
આદેશ આપ્યો હતો. બીજી તરફ, કલેક્ટરે કોઠારા
ગ્રામ પંચાયતની મુલાકાત લેતાં ત્યાં પણ અનેક રજૂઆતોનો પટારો ખુલ્યો હતો. તાલુકા પંચાયત
ઉપપ્રમુખ વિનોદભાઈ દરજી અને અગ્રણીઓએ કોઠારા આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની અનિયમિતતા
અને પ્રસુતિના સમયે સ્ટાફના અભાવે દર્દીઓને પડતી હાલાકીનો મુદ્દો ઊઠાવ્યો હતો. કોઠારાની
સીમમાં ગૌચર પર થયેલાં દબાણો અને જળસ્ત્રોત (જંગીની આવ) પરનાં દબાણો હટાવવાની માગણી
કરાઈ હતી. કલેક્ટરે આ તમામ મુદ્દે સકારાત્મક અભિગમ અપનાવી જવાબદાર અધિકારીઓને સ્થળ
તપાસ કરી રિપોર્ટ સોંપવા જણાવ્યું હતું. મુલાકાત દરમિયાન મામલતદાર એ.આર. નીનામા,
નલિયા સરપંચ રામજીભાઈ કોલી સહિત વિવિધ વિભાગના મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત
રહ્યા હતા.