ઈસ્લામાબાદ, તા. 4 : પાકિસ્તાનમાં
ફરી એકવાર મોટા રાજકીય બળવા અને શાસન પરિવર્તનની અફવાઓ વહેતી થઈ છે. ગૃહમંત્રી અને
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવીએ દેશની શાસન વ્યવસ્થાને સંપૂર્ણ નિષ્ફળ
જાહેર કરી અને ઇતિહાસના સૌથી મોટા કૌભાંડનો દાવો કર્યો હતો. દરમિયાન, રાજધાની ઈસ્લામાબાદને મોટા કન્ટેનરોનો ઉપયોગ
કરીને સીલ કરી દેવામાં આવી છે. એક મીડિયા હેવાલો મુજબ, આ બળવા
પાછળ સેનાપ્રમુખ જનરલ આસિમ મુનીરની મુખ્ય ભૂમિકા છે. વડાપ્રધાન શાહબાઝ શરીફની સ્થિતિ
જોખમમાં છે. કારણ કે, તેમના પોતાના ગૃહમંત્રી મોહસીન નકવી સરકારની
વિરુદ્ધ થઈ ગયા છે. એવો પણ દાવો કરાય છે કે, આ સત્તાપલટાની રૂપરેખા
રાવલાપિંડીમાં તૈયાર કરવામાં આવી છે. હકીકતમાં પાકિસ્તાનની શાસન વ્યવસ્થા `ભાંગી પડી છે' તેવું ચોંકાવનારું નિવેદન આપ્યાના થોડા જ દિવસોમાં
ગૃહમંત્રી મોહસિન નકવીએ હવે વધુ એક મોટો ખુલાસો કર્યો છે. પાકિસ્તાનના ઇતિહાસના `સૌથી મોટા કૌભાંડ'નો પર્દાફાશ કરવાનો દાવો કરતાં નકવીએ જણાવ્યું
હતું કે, મને નથી લાગતું કે, પાકિસ્તાનના
ઇતિહાસમાં ક્યારેય ન્યાયાધીશો, અમલદારો, રાજકારણીઓ અને બેંકરો એમ સૌ કોઈ સંકળાયેલા હોય તેવા આટલા મોટા કદનું કૌભાંડ
સામે આવ્યું હોય. તેમણે આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા 21 વર્ષોથી દેશના ન્યાયાધીશો, અમલદારો, રાજકારણીઓ અને
બેંકરો લાંચ-રુશ્વતની જાળમાં સંકળાયેલા છે. રક્ષામંત્રી અને શાહબાઝ સરકારના વફાદાર
ખ્વાજા આસિફે આ આંતરિક મતભેદ અંગે આકરો વળતો પ્રહાર કરી નકવીને `પાવરહાઉસ' ગણાવતાં આસિફે કટાક્ષ કર્યો હતો કે,
તેઓ પોતાને વડાપ્રધાન પ્રત્યે પણ જવાબદાર માનતા નથી અને કેબિનેટની બેઠકોમાં
ગેરહાજર રહે છે. જો કે, નકવીએ તે વ્યક્તિઓના નામ જાહેર કર્યા
નથી, તેમ છતાં તેમના સનસનીપૂર્ણ નિવેદનોની શ્રેણીએ પાકિસ્તાનમાં
સત્તાની ધુરામાં પરિવર્તન નજીકના ભવિષ્યમાં થવાની શક્યતા અંગે અટકળોને વેગ આપ્યો છે.