નવી દિલ્હી, તા. 4 : દેશમાં વિદ્યાર્થીઓના
મુદ્દા, રોજગાર અને શિક્ષણ વ્યવસ્થાને લઈને રાજકીય ચર્ચા
તીવ્ર બની છે, ત્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આજે ફરી
એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે,
દેશના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં છે. તેમને માફીની નહીં, પરંતુ રોજગાર, નિષ્પક્ષ પરીક્ષાઓ અને વધુ સારી શિક્ષણ
વ્યવસ્થાની જરૂર છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, યુવાનોના
ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓ પર સરકાર ગંભીર દેખાતી નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે,
વિદ્યાર્થીઓ રોજગારની માંગ કરી રહ્યા છે, નિષ્પક્ષ
પરીક્ષાઓ ઇચ્છે છે અને એવી શિક્ષણ વ્યવસ્થા માગે છે જે યોગ્ય રીતે કાર્ય કરે. તેમણે
કહ્યું કે, બીજી તરફ વડાપ્રધાન વિદ્યાર્થીઓને `માફ'
કરવાની વાત કરે છે. રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે, દેશના યુવાનોના ભવિષ્યને `માફ' કરવાનો અધિકાર
વડાપ્રધાનને કોણે આપ્યો? તેમણે કહ્યું કે, તેમને આ અધિકાર ક્યાંથી મળ્યો તે સમજણ બહારની વાત છે. દેશના યુવાનો ભારે પીડામાં
છે. તેઓ નોકરીની માગ કરી રહ્યા છે અને શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા ઇચ્છે છે. તેમનું
કહેવું હતું કે, યુવાનોનો અવાજ સાંભળવાના બદલે સરકાર બીજી દિશામાં
કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે
જોડાયેલા મુદ્દાઓને ગંભીરતાથી લેવા જોઈએ.