નવી દિલ્હી, તા. 4 : ગ્લાસગો કોમનવેલ્થ
ગેમ્સમાં ઇજામાંથી વાપસી કરી રજત ચંદ્રક જીતનાર ભારતનો સ્ટાર એથ્લેટ ભાલાફેંક ખેલાડી
નીરજ ચોપરા 21 ઓગસ્ટે લુસાને ડાયમંડ લીગમાં
ગોલ્ડ મેડલના લક્ષ્ય સાથે ઊતરશે. નીરજ સામે સૌથી મોટો પડકાર શ્રીલંકાના ખેલાડી રૂમેશ
પથિરાગેનો હશે. જેણે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં નીરજને પાછળ રાખી સુવર્ણ ચંદ્રક જીત્યો
હતો. લુસાને ડાયમંડ લીગમાં ઓલિમ્પિક ચેમ્પિયન પાક.નો અરશદ નદીમ, વર્તમાન વિશ્વ ચેમ્પિયન ત્રિનિદાદ એન્ડ ટોબેગોનો
ખેલાડી કેશોર્ન વાલકાટ અને પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ગ્રેનેડાનો એન્ટરસન પીટર્સ પણ જ્વેલિન
થ્રોની સ્પર્ધામાં ઊતરવાના છે. આ ઉપરાંત ટોકિયો ઓલિમ્પિકમાં રજતપદક જીતનાર ઝેક ગણરાજ્યના યાકુબ વાલેશ, જર્મનીના જુલિયન વેબર, સ્વિત્ઝરલેન્ડના સિમોન વીલેન્ડ
અને કુર્ટિસ થોમ્પસન પર પણ નજર રહેશે. નીરજ
ચોપરા સામે ગ્લાસગો કોમનવેલ્થ કરતાં લુસાને ડાયમંડ લીગમાં વધુ કઠિન પડકાર રહેશે. શ્રીલંકાના
રૂમેશ પથિરાગેએ કોમનવેલ્થ ગેમ્સમાં 89.7પ મીટરનો થ્રો કરી પહેલાં સ્થાને અને નીરજ 8પ.83 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યા હતા. રૂમેશ જૂનમાં 92.62 મીટરનો સિઝનનો બેસ્ટ થ્રો કરી
ચૂક્યો છે.