ભુજ, તા.4 : કેન્દ્રીય માર્ગ પરિવહન અને
રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં મહારાષ્ટ્રના નાગપુર ખાતે અૉલ ઇન્ડિયા ફેડરેશન
અૉફ ડ્રાઇવિંગ સ્કૂલ એસોસિએશન સાથે સંકળાયેલા મહારાષ્ટ્ર રાજ્ય મોટર ડ્રાઇવિંગ સ્કૂલ
ઓનર્સ એસોસિએશન દ્વારા કવિવર સુરેશ ભટ્ટ સભાખંડમાં આયોજિત રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ
લીધો હતો. રાજયની સાથે કચ્છમાંથી પણ મોટર ડ્રાઈવિંગ સ્ક્લૂના અગ્રણી સંચાલકો કાર્યક્રમમાં
જોડાયા હતા. કચ્છ મોટર ડ્રાઈવિંગ સ્કૂલ એસોસીએશનના કલ્પેશ શાહે જણાવ્યું કે કાર્યક્રમ
દરમ્યાન કેન્દ્રીય મંત્રીને અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને જવાબદાર તેમજ કુશળ વાહનચાલકો
તૈયાર કરવા સહિતના 21 મુદ્દાને
સમાવતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નીતિન ગડકરીએ ડ્રાઈવિંગ સ્કૂલ એસોસીએશનની માંગો
અંગે યોગ્ય કરવાની ખાતરી આપી હતી. તેમણે વધુ વિગતો આપતાં કહ્યું હતુ કે કાર્યક્રમમાં
દેશની 35000 મોટર ડ્રાઈવિંગ સ્કૂલના પ્રતિનિધિ
હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં એસો.ના રાષ્ટ્રીય પ્રમુખ ગિરીશ શર્મા, ગુજરાત એકમના પ્રમુખ હરીશ પટેલ, ખજાનચી જિજ્ઞેશ જયસ્વાલે સરકારના શૂન્ય અકસ્માતના લક્ષ્યમાં સહયોગની ખાતરી
આપી હતી.