• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

ભુજ : જૂની ચલણી નોટ બદલ 57.75 લાખની લાલચમાં 1.70 લાખ ગુમાવ્યા

ભુજ, તા. 4 : ડિજિટલ ઠગબાજો વિવિધ પેંતરા અજમાવી લોકોને ઠગી લેતા હોવાના બનાવો વધ્યા છે, ત્યારે ભુજના એક શખ્સને ફેસબુક પર જૂની ભારતીય ચલણી નોટ અને યુનિક સિક્કાના બદલે સારી રકમવાળી જાહેરાત ભારે પડી હતી. મૂળ અબડાસાના પૈયાના હાલે ભુજ રહેતા સતુભા હમીરજી સોઢાએ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ સાત-આઠ મહિના પહેલાં ફેસબુકમાં `રાજ ગ્યાની ઓલ્ડ કોઈન' નામની એડ જોઈ હતી, જેમાં જૂની ભારતીય ચલણી નોટ અને યુનિક સિક્કાના બદલે સારી રકમ આપવામાં આવશે, જેમાં મોબાઈલ નંબર પણ આપેલ હતા. આથી ફરિયાદીએ મિસકોલ કર્યો અને તે તેમને ભારે પડયો હતો. તા. 19/1/26ના ફરિયાદીને સામેથી ફોન આવ્યો હતો અને હિન્દીમાં વાતચીત કરી કહ્યું કે, તમારી પાસે જે જૂની ચલણી નોટ છે તેનો ફોટો મને વોટ્સએપ કરો, જેથી ફરિયાદીએ ફોટો સેન્ડ કર્યો હતો. આથી તે વ્યક્તિએ ફરિયાદીને જણાવ્યું કે, આ નોટના અમારી કંપની તરફથી તમને રૂા. 57,75,000 મળી શકે છે, પરંતુ પ્રથમ તમને રૂા. 1150 રજિસ્ટ્રેશન ફી જમા કરાવવી પડશે અને તે અંગે તેમણે ક્યુ.આર. કોડ મોકલ્યો. બીજા દિવસે ફરિયાદીએ ગૂગલ પેથી રૂા. 1150 મોકલ્યા હતા. બાદમાં ફોટોગ્રાફ માગ્યો હતો અને રજિસ્ટ્રેશન થઈ ગયાનું જણાવ્યું હતું. આ બાદ બીજા દિવસે ફરીથી સામેવાળી વ્યક્તિએ ક્યુ.આર. કોડ મોકલી જણાવ્યું કે, આના પર રૂા. 10,200 મોકલવાના છે, જેથી રૂા. 57.75 લાખ તમને કેશમાં એક સાથે મળી જાય, અમારી કંપનીના અધિકારીઓ હાલે એસ.બી.આઈ. બેન્કમાં જ ઊભા છે. જલ્દી રૂપિયા નાખો, આથી ફરિયાદીખે બે ટુકડામાં નાણાં નાખતાં કહેવામાં આવ્યું, ટુકડે-ટુકડે નહીં એક સાથે રૂા. 10,200 નાખો, આથી ફરિયાદીએ રૂા. 10,000 નાખતાં ફરીથી ફોન આવ્યો ને કહ્યું, એક સાથે રૂા. 10,200 નાખો સાથે ફરિયાદીએ રૂા. 10,200 નાખ્યા હતા. આ બાદ તે જ દિવસે ફરીથી ફોન આવ્યો અને કહ્યું કે, ટીડીએસ માટે રૂા. 21,500 તથા જીએસટી માટે રૂા. 45,000 મોકલાવો. આથી ફરિયાદીએ તે નાણાં પણ મોકલાવેલા ક્યુ.આર. કોડમાં નાખ્યા હતા. બીજા દિવસે ફરી સામેવાળાઓએ વીડિયોકોલ કર્યો હતો, જેમાં ત્રણ સ્ટારવાળા પોલીસ અધિકારી હતા અને તેઓએ પોતાની ઓળખાણ સી.બી.આઈ. ઈન્સ્પેક્ટર તરીકેની આપી હતી અને જણાવ્યું કે, બેન્કનો કોડ તોડવા રૂપિયા નહીં આપો તો તમારી ગમે તે જગ્યાએ ધરપકડ કરી લેશું. તમને ક્યુ.આર. કોડ મોકલું છું, જેમાં રૂા. 45,000 નાખી દો, જેથી બેન્કનો કોડ તૂટી જાય. પોલીસને જોઈ ફરિયાદી ડરી જતાં રૂા. 45,000 નાખ્યા, તો ફરીથી ફોન આવ્યો કે હવે છેલ્લી વાર રૂા. 15,600 નાખો, જેથી કોડ તૂટી જાય. બીજા દિવસે રૂા. 15,600 નાખ્યા હતા અને બાદ સતત ફોન આવતાં ફરિયાદીએ ઉપાડયા નહતા. આ બાદ પણ વિવિધ બહાને નાણાં ખંખેર્યા હતા. આમ કુલ મળીને રૂા. 1,70,750 ઓનલાઈન પડાવી લીધાની ફરિયાદ નોંધાવાઈ છે.

Panchang

dd