ગાંધીધામ, તા. 15 : આયુષ્યમાન કાર્ડની સારવારમાં નિયમ ભંગ બદલ
સહીતના કારણોસર આદિપુરની હોસ્પિટલ સામે રાજય સરકાર દ્વારા દંડનાત્મક કાર્યવાહી
કરવામાં આવી છે. જે તે સમયે આ મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો. આ અંગે મળતી
વિગતો મુજબ પથરીના ઓપરેશન દરમ્યાન જરૂરીયાત ન હોવા છતા ય ઓપરેશન કરાયું હતું. અને આ દરમ્યાન ટેબલ ઉપર જ
દર્દીનું અવસાન થયું હતું. સારવારમાં બેદરકારી બદલ પરિવારજનોએ બબાલ કરી હતી અને આ
મામલે પોલીસ ફરીયાદ પણ નોંધાવાઈ હતી. દરમ્યાન ફરીયાદના પગલે જિલ્લા આરોગ્ય તંત્ર
દ્વારા તપાસ કરવામાં આવી હતી. અને રાજય સ્તરે અહેવાલ સોંપ્યો હતો. જેમા આયુષ્ય માન
કાર્ડમાં સારવારમાં બેદરકારી દાખવાઈ હોવાનું સાબીત થયું હતું. દરમ્યાન આજે આરોગ્ય
વિભાગ દ્વારા હોસ્પિટલને 1.35 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અને ઓપરેશન
કરનારા તબીબ ડો. આશિષ અંસારીને ત્રણ મહીના સુધી આયુષ્યમાન કાર્ડ યોજનામાંથી
સસ્પેન્ડ કરવાનો હુકમ આવ્યો છે. આ અંગે સી.ડી.એચ.ઓ ડે. મિતેષ ભંડેરીએ આ
કાર્યવાહીને સમર્થન આપ્યું હતું અને રાજયસ્તરેથી કાર્યવાહી કરાઈ હોવાનું જણાવ્યું હતું.