ગાંધીધામ, તા. 24 : પૂર્વ કચ્છમાં પોલીસે દારૂ
અંગેના ત્રણ જુદા-જુદા દરોડા પાડીને કુલ રૂા. 1,94,025નો દારૂ પકડી પાડયો હતો. આ કાર્યવાહી દરમ્યાન પાંચ શખ્સ હાથમાં
આવ્યા નહોતા, જ્યારે એક શખ્સને પકડી
પાડવામાં આવ્યો હતો. સામખિયાળીમાં રહેનાર મૂળ ચીરઈનો અભય વેલા બઢિયા નામનો શખ્સ માણાબા-શિકારપુર
રણ વિસ્તાર તરફથી કારમાં દારૂ લઈ આવતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી
હતી. દરમ્યાન નંબર પ્લેટ વગરની કાર આવતાં તેને રોકાવવાની કોશિશ કરતાં કારચાલકે ગાડી
હંકારી દીધી હતી. બાદમાં સૂરજબારી ગામની શાળા પાસે ગાડી મૂકીને આરોપી નાસી ગયો હતો.
આ કારમાંથી આર.જે. ગ્રીન 180 મિ.લિ.ના
960 ક્વાર્ટરિયા કિંમત રૂા. 1,63,200નો દારૂ જપ્ત કરાયો હતો. વધુ
એક કાર્યવાહી આદિપુરમાં સોનલ માતાના મંદિરથી ગોલ્ડન સિટી તરફ જતા માર્ગ પાસે ઈકબાલભાઈના
વાડામાં કરવામાં આવી હતી. આ વાડાની ઓરડીઓમાં દારૂ વેચાતો હોવાની બાતમીના આધારે પોલીસે
છાપો માર્યો હતો. દારૂ વેચનારા શ્યામ ગઢવી, રોહિત હીરજી બારોટ નામના શખ્સો ત્યાં ગેરહાજર મળ્યા હતા. અહીંથી જ્યુપીટર નંબર
જીજે-39-કે-0977 તથા કોથળામાંથી જુદી-જુદી બ્રાન્ડના
180 મિ.લિ.ના 153 ક્વાર્ટરિયા કિંમત રૂા. 20,600નો દારૂ જપ્ત કરાયો હતો. ગાંધીધામની
ઈફકો કોલોની નજીક ટાગોર રોડ પર વધુ એક કાર્યવાહી કરવામાં આવી હતી. ગુરુકુળ વિસ્તારમાં
રહેનાર દીપક ઉર્ફે દીપ જગદીશ મંગલાની, મેઘપરનો હર્ષ શ્યામ નેકવાણી તથા ધ્રુવ રિતેશગિરિ ગોસ્વામી અમદાવાદ ગયા હતા
ત્યાં હર્ષના ઓળખીતા પાસેથી દારૂ ભરેલા ત્રણ થેલા લઈ ત્રણેય પરત ફર્યા હતા. જે પૈકી
દીપક બસમાંથી ઊતરી થેલા સાથે કોઈની રાહ જોઈ રહ્યો હતો. તેવામાં પોલીસે તેને પકડી પાડી
રૂા. 10,120ની 18 બોટલ દારૂ જપ્ત કર્યે હતો, જ્યારે હર્ષ અને ધ્રુવ બસમાં આગળ નીકળી ગયા
હતા. બંનેને પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.