ભુજ, તા. 16 : માધાપર
નવાવાસની સાત જોટા બજારની પાછળ મકાનમાં નાલ ઉઘરાવી ધમધમતા જુગારના અડ્ડા પર આજે
એલસીબીએ સપાટો બોલાવી સાત ખેલીને ઝડપી પાડયા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર તથા અન્ય
એક શખ્સ હાજર ન મળતા તેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બાતમીના પગલે વોરંટ
સાથે એલસીબીએ દરોડા પાડતા તીનપત્તીનો જુગાર રમતા દિલીપસિંહ મેરામણજી જાડેજા, કાંતીલાલ વેલજી ઠક્કર,
અશ્વિન ઉર્ફે પપ્પુ અનિલભાઈ ઠક્કર, તેજશ
શાંતિલાલ રાઠોડ (રહે. તમામ માધાપર) અને પંકજભાઈ બાબુભાઈ આહીર (કુકમા), નરસિંહ ગોપાલભાઈ જાટિયા (મમુઆરા)ને રોકડ રૂા. 1,42,600, પાંચ
મોબાઈલ કિ.રૂા. 25000 તથા મારુતિની બલેનો કાર કિ.રૂા. પાંચ લાખ
ટઅને કિઆ સેલ્ટોસ કાર કિ. રૂા. દસ લાખ એમ કુલ્લે રૂા. 16,67,600નો
મુદામાલ જપ્ત કર્યો હતો. આ દરોડામાં જુગાર રમાડનાર મુખ્ય સૂત્રધાર ચંદ્રસિંહ
બાલુભા જાડેજા તથા અન્ય શખ્સ ઉદયરાજ સોલંકી હાજર ન મળતા તેને ઝડપવા પોલીસે
કાર્યવાહી આદરી છે. આ દરોડા અંગે માધાપર પોલીસ મથકે ગુનો દાખલ કરાવી કાયદેસરની
કાર્યવાહી કરાઈ હતી. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ પીઆઈ એ.એમ. મકવાણા તથા
પીએસઆઈ જે.બી. જાદવ, એમ.એચ. શિણોલે સ્ટાફને જુગારની બદી નેસ્તનાબૂદ કરવા સૂચના આપી હતી. એએસઆઈ
સુરેન્દ્રસિંહ ઝાલા તથા હે.કો. રાજેન્દ્રસિંહ રાઠોડને સંયુક્ત ખાનગી બાતમી મળી કે,
સાત જોટા બજારની પાછળ, નવાવાસ માધાપરમાં રહેતા
ચંદ્રસિંહ બાલુભા જાડેજા પોતાના કબજાના મકાનમાં ઉપરના માળે રૂમમાં બહારથી ખેલીઓ
બોલાવી નાલ ઉઘરાવી ગંજીપાના વડે હારજીતનો જુગાર રમાડી રહ્યો છે. આ બાતમી અંગે
એલસીબીના પીએસઆઈ એચ.આર. જેઠીને જાણ કરતા તે અંગે તેણે ખાતરી કરાવતા હકીકત ખરી
જણાતા પોલીસ અધીક્ષક પાસેથી વોરન્ટ ઈશ્યુ કરાવી એલસીબીના પીએસઆઈ શ્રી જેઠી,
એ.એસ.આઈ. સુરેન્દ્રસિંહ, નીલેશ ભટ્ટ, હે.કો. રાજેન્દ્રસિંહ, દિવ્યરાજસિંહ જાડેજા તથા
વિક્રમસિંહ ગોહિલ સહિતના સ્ટાફે આ સફળ દરોડો પાડયો હતો.