નલિયા, તા 16 : અબડાસા તાલુકાના
નલિયા-ભાનાળા માર્ગ પર આજે સવારના સમયે કાળમુખો અકસ્માત સર્જાયો હતો. નલિયાથી ઉપડેલી
ખાનગી પેસેન્જર બસ માર્ગ પર સાઈડમાં ઉભેલા સિમેન્ટ ભરેલા ટ્રક પાછળ ધડાકાભેર ભટકાતા
બસમાં સવાર અંકરી મોટી ગામના 63 વર્ષીય
પ્રૌઢ અનિરુદ્ધાસિંહ ભૂપતાસિંહ જાડેજાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ દેવેન્દ્રસિંહ નીતુભા જાડેજા (રહે સુડધ્રો મોટી)ને
ઈજાઓ પહોંચતા ભુજ સારવાર અર્થે ખસેડાયા છે. અબડાસાના મુખ્ય મથક નલિયાથી આજે સવારે આઠેક
વાગ્યાના અરસામાં પેસેન્જર ભરીને એક ખાનગી બસ રવાના થઈ હતી. આ બસ જ્યારે નલિયા એરફોર્સ
અને ભાનાળા ગામ વચ્ચેથી પસાર થઈ રહી હતી, ત્યારે માર્ગની સાઈડમાં
ઉભેલા સિમેન્ટ ભરેલા ટ્રક સાથે બસનો અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે
બસના આગળના ભાગના ફુરચા બોલી ગયા હતા. આ ગમખ્વાર દુર્ઘટનામાં બસમાં સવાર અંકરી મોટીના
63 વર્ષીય અનિરુદ્ધાસિંહ જાડેજાને
ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર માટે નલિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં
આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. ખેતીકામ કરતા
એવા અનિરુદ્ધાસિંહના મોતના સમાચાર વહેતા થતા જ નાનકડા એવા અંકરી મોટી ગામમાં શોકનું
મોજું ફરી વળ્યું હતું. અકસ્માતમાં ઘવાયેલા અન્ય એક મુસાફર દેવેન્દ્રસિંહને પણ નલિયા
હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભુજ ખાતે ખસેડવામાં આવ્યા
છે. બનાવને પગલે કોઠારા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અકસ્માત અંગે પંચનામું
કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. સવારના પહોરમાં સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે
પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.