ભચાઉ, તા. 19 : તાલુકાના શિકારપુર નજીક વધુ
એક માર્ગ અકસ્માતની ઘટનામાં રસાયણ ભરેલું ટેન્કર પલટી ગયું હતું. અકસ્માતનાં પગલે ટ્રાફિકજામ
પણ સર્જાયો હતો. આ અંગે મળતી વિગતો મુજબ કચ્છ-સૌરાષ્ટ્રને
જોડતા નેશનલ હાઇવે આઠ-એ ઉપર શિકારપુર નજીક વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. વહેલી પરોઢે કંડલાથી પેટ્રોકેમિકલ ભરીને મોરબી તરફ
આગળ વધતું ટ્રેઇલર અચાનક બેકાબૂ બનીને માર્ગ ઉપર ફંગોળાઈ ગયું હતું. આ અકસ્માતનાં કારણે
ધોરીમાર્ગ પર અવરોધ સર્જાતાં મોરબી બાજુની લાઈન બાધિત થઈ હતી અને સવાર સુધી લગભગ 5થી 6 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માતનાં પગલે સામખિયાળી
પોલીસ અને સૂરજબારી ટોલ પ્લાઝાની હાઇવે પેટ્રોલિંગની ટીમે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી
ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી હતી. સવાર સુધીમાં બે ક્રેનની મદદ વડે અકસ્માતગ્રસ્ત
વાહનને રોડ પરથી દૂર કર્યું હતું. આ અંગે
સ્થાનિકેથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ પલટી ગયેલા ટેન્કરમાંથી ઢોળાયેલા પેટ્રોકેમિકલના માર્ગની બાજુમાં મોટાં
ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં, જે મેળવવા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને હાથવગા
સાધન વડે એકત્ર કરી ગયા હતા. અકસ્માત સર્જનાર ટેન્કરચાલક સ્થળ પરથી નાસી ગયો હતો.