રાપર, તા.
1 : રાપર તાલુકાને વિકાસશીલ તાલુકો જાહેર કરેલો છે, ત્યારે તેમાં સૌથી અગત્યની અને
મહત્ત્વની બાબત આરોગ્ય છે અને તેમાં પણ માતા મૃત્યુ દર ઘટાડવો એ અગ્રિમતાના ધોરણે છે,
ત્યારે પ્રસૂતાનાં મૃત્યુ બાદ મહિલા આરોગ્ય કર્મચારી ગુમ થઈ ગયા છે. ચિત્રોડ ગામની
બાજુમાં આવેલાં ખાનપર ગામમાં ગત તા. 31/8/2024ના એક સગર્ભા માતાનું મૃત્યુ થતાં તે
વિસ્તારના ફીમેલ હેલ્થ વર્કર છેલ્લા એક મહિનાથી બિનઅધિકૃત રીતે ગેરહાજર છે અને ભૂગર્ભમાં
ઊતરી ગયા છે, તો ક્યાંક ને ક્યાંક તેઓ શંકાના દાયરામાં આવી રહ્યા છે. તેમની નોકરી ચિત્રોડ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં ચિત્રોડ-2 પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલી છે અને તેમના
વિસ્તારમાં ખાનપર ગામ આવેલું છે. પ્રસૂતાની પ્રથમ ડિલિવરી હતી. તેઓ પલાંસવા સામૂહિક
આરોગ્ય કેન્દ્ર ખાતે ગયા, ત્યાંથી રિફર કરતા આડેસર પાસે રસ્તામાં બ્લાડિંગ (પીપીએચ)
વધારે પ્રમાણમાં શરૂ થતાં મૃત્યુ પામ્યા હતા. ફીમેલ હેલ્થ વર્કર દ્વારા એએનસી તપાસ
ટેકો પ્રમાણે સમયસર લીધી છે કે કેમ ? ટેકોમાં તેમની મુલાકાતો બોલે છે કે કેમ? મમતાકાર્ડમાં
દર બુધવારે તેમનું હિમોગ્લોબિન ચેક કર્યું છે કે કેમ ? તેમનું વજન અને અન્ય તપાસો કરેલ
છે કે કેમ? પ્રથમ ડિલિવરી હતી તો તેને યોગ્ય માર્ગદર્શન અને સલાહ આપેલ છે કે કેમ? આ
બાબતે તટસ્થ રીતે તપાસ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ માતાના મરણ પાછળ ફીમેલ હેલ્થ
વર્કર જવાબદાર તો નથી ને ? કારણ કે તેઓ છેલ્લા એક મહિનાથી ગેરહાજર જોવા મળે છે અને
માતા મરણ થતા તેની જાણ પણ જિલ્લામાં છ દિવસ પછી કરવામાં આવી છે તો આ પાછળ જવાબદાર કોણ
? એક મહિનાથી બિનઅધિકૃત રીતે ગેરહાજર હોવા છતાં તાલુકા હેલ્થ ઓફિસ રાપર દ્વારા કોઈ
પગલાં લેવામાં આવ્યાં છે કે કેમ? બાબતે તાલુકા હેલ્થ ઓફિસર મોતીલાલ રાયનો સંપર્ક કરતાં
તેમણે આ ફીમેલ હેલ્થ વર્કર આ બનાવ બાદ રજામાં ગયા હોવાનું જણાવ્યું હતું. અલબત્ત તે
પોતે પણ સગર્ભા હોવાથી લાંબી રજામાં ગયા હોવાની ટીએચઓએ સ્પષ્ટતા કરી હતી, તો ચિત્રોડ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. પોલનો સંપર્ક કરતાં તેમણે આ અંગે ગોળ ગોળ
જવાબ આપી આ બહેન રજાચિઠ્ઠી આપીને ગયા હોવાનો બચાવ કર્યો હતો તો જિલ્લા આરોગ્ય અધિકારીએ
ફોન ઉઠાવ્યો ન હતો. આમ આ બનાવ અંગે આરોગ્ય તંત્ર દ્વારા કોઈ સંતોષકારક ખુલાસો કર્યો
ન હતો.