નવી દિલ્હી, તા. 30 : ભારત
સાથેનો સીમા વિવાદ જટિલ છે. તેને ઉકેલવામાં સમય લાગશે. જો કે, સરહદી વિસ્તારમાં શાંતિ
જાળવી રાખવા માટે સીમાંકન પર ચર્ચા કરવા અમે તૈયાર છીએ તેમ સોમવારે ચીનના વિદેશ
મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગએ કહ્યું હતું. ચીનનું આ નિવેદન કિંગદાઓમાં એસસીઓ
સંરક્ષણ પ્રધાનોની પરિષદ દરમિયાન સંરક્ષણમંત્રી રાજનાથાસિંહ અને ચીનના તેમના સમકક્ષ
ડોંગ જુન વચ્ચે 26 જૂનના યોજાયેલી દ્વિપક્ષીય બેઠક
બાદ આવ્યું છે. એક મીડિયા હેવાલ મુજબ,
બીજિંગમાં જ્યારે મીડિયાએ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ
નિંગને સંરક્ષણમંત્રી રાજનાથસિંહના નિવેદન પર ટિપ્પણી કરવા કહ્યું, ત્યારે માઓએ જણાવ્યું હતું કે, બંને દેશ અગાઉથી જ
વિશેષ પ્રતિનિધિ (એસઆર) તંત્ર સ્થાપિત કર્યું છે. માઓ નિંગને સવાલ કરાયો હતો કે,
બંને દેશ વચ્ચે વિશેષ પ્રતિનિધિની 23 બેઠક
યોજાઈ ચૂકી છે, તો પછી સરહદ વિવાદ ઉકેલવામાં સમય કેમ લાગી રહ્યો છે, જેના જવાબમાં માઓએ જણાવ્યું હતું કે, સરહદનો સવાલ
જટિલ છે અને તેને ઉકેલવામાં વાર લાગે તેમ છે. જો કે, માઓએ
કહ્યું હતું કે, એ સકારાત્મક બાબત છે કે, બંને દેશ સીમા વિવાદ અને શાંતિ સ્થાપિત કરવા માટે પહેલાંથી જ વિભિન્ન સ્તર
પર કામગીરી કરી રહ્યા છે. નોંધનીય છે કે, માઓ અને સિંહ વચ્ચે
યોજાયેલી આ દ્વિપક્ષીય બેઠક દરમિયાન રાજનાથ સિંહે એલએસી (વાસ્તવિક નિયંત્રણ રેખા)
પર તણાવ ઘટાડવા માટે સરહદના સ્પષ્ટ સીમાંકન માટે `સંરચિત
રોડમેપ'નો
પ્રસ્તાવ મૂક્યો હતો અને સીમા પર તણાવ ઘટાડવા તથા સીમાંકન માટે હાલની પદ્ધતિને
સક્રિય કરવા માટે પગલાં લેવા હાકલ કરી હતી, જે પછી ચીનનું આ
નિવેદન સામે આવ્યું છે.