• મંગળવાર, 01 જુલાઈ, 2025

નખત્રાણામાં વરસાદી પાણી ભરાતાં મુશ્કેલી

નખત્રાણા, તા. 30 : અહીંના પ્રાચીનગર, ઝોલનગર તેમજ મણિનગર સહિતની વસાહતોમાં વરસાદી પાણી ભરાઈ રહેતાં રહેવાસીઓને પડતી મુશ્કેલી અંગે તેમજ ઝીલ વિસ્તારમાં લાઈન તૂટી પડતાં પીવાનાં પાણીની સમસ્યા સર્જાઈ હોવા છતાં તંત્ર દ્વારા કામગીરી કરાઈ ન હોવાની ફરિયાદ કરાઈ હતી. ત્રણ વર્ષ જેટલા સમયથી અહીં નગરપાલિકા વહીવટ સંભાળી રહી હોવા છતાં લોકોના પ્રશ્નોનો ઉકેલ ન આવતાં નારાજગી વ્યક્ત કરાઈ હતી. અનેક દિવસો સુધી વરસાદી પાણી ભરાઈ રહેતાં ફેલાતી દુર્ગંધ અને મચ્છર-જીવજંતુના ઉપદ્રવને કારણે રોગચાળો ફેલાવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી. ઉપરાંત કાચા રસ્તાની જગ્યાએ સી.સી. રોડ બનાવવા અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ઉકેલરૂપ કામગીરી કરાઈ ન હોવાની ફરિયાદો ઊઠી હતી. ઝીલ વિસ્તારમાં ચાલતા પુલિયાનાં કામ દરમ્યાન પાણી પુરવઠાની પાઈપલાઈનો તૂટી જતાં પીવાનાં પાણીની મુશ્કેલી સર્જાઈ હતી. 20 દિવસથી ચાલી રહેલાં આ કામ દરમ્યાન તોડી પડાયેલી પાણી-ગટરની પાઈપલાઈનો સંદર્ભે અનેકવાર રજૂઆત કરાઈ હોવા છતાં ઉકેલ ન આવતા અંતે રહેવાસીઓ દ્વારા સ્વખર્ચે મરંમત કરાઈ હોવાનું જાગૃત નાગરિકો દ્વારા જાણવા મળ્યું હતું. સંબંધિત ઉપરી તંત્ર દ્વારા નગરપાલિકાની નિક્રિયતા અંગે તપાસ કરવા બાબતે જાગૃત લોકો દ્વારા માંગ કરાઈ હતી.

Panchang

dd