ગાંધીધામ, તા. 30 : ગાંધીધામ-આદિપુર
જોડિયા શહેરોમાં વરસાદી પાણીના નિકાલના ભાવે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.
પ્રી-મોન્સૂનમાં જે નાળાઓની સફાઈ થવી જોઈતી હતી, તે થઈ નહીં તેના કારણે વરસાદી પાણી લોકોના
ઘરોમાં ઘૂસી ગયા હતા. મુખ્ય બજારમાં જુજ કામદારોથી કામગીરી કરાઈ હોવાની રાવ ઊઠી
છે. સફાઈમાં બેદરકારી દાખવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. મુખ્ય
બજારની પરિસ્થિતિની વાત કરીએ, તો ખાસ કરીને સરદાર વલ્લભભાઈ
પટેલ સર્કલથી લઈને મહાત્મા ગાંધી માર્કેટ સુધીના મુખ્ય બજારના વરસાદી નાળાઓની
સફાઈની કામગીરી ગોકળ ગતિએ થઈ રહી છે. માત્ર ચાર શ્રમજીવી દ્વારા જ સફાઇની કામગીરી
થતા આગામી વરસાદ પહેલાં મુખ્ય બજારના નાળાઓની સફાઈ થશે કે કેમ તેના ઉપર પણ પ્રશ્નો
ખડા થયા છે. અધિકારીઓ દ્વારા સમીક્ષા કરીને જરૂરી પગલાં ભરવામાં આવે, તેવું જાગૃત નાગરિકો અને વેપારીઓ કહી રહ્યા છે. ગાંધીધામમાં મંગળવારે
પડેલા વરસાદથી ગાંધીધામ-આદિપુરના અનેક વિસ્તારોમાં જળમગ્ન જેવી સ્થિતિ હતી. વરસાદ
પડયાના ચાર દિવસ વીતી ગયા છે, છતાં ગાંધીધામ મહાપાલિકા કચેરી
પાસે અગ્રસેન ભવન સામેના માર્ગ ઉપર હજુ પણ પાણી ભરાયેલું છે, તો ભારત નગર સહિતના અનેક વિસ્તારોમાં માર્ગો પરથી પાણીનો નિકાલ થયો નથી,
જેના કારણે રોગચાળાનો ખતરો છે. ગાંધીધામનું મોટાભાગનું વરસાદી પાણી
મુખ્ય બજારમાં થઈને રાષ્ટ્રીય ધોરીમાર્ગના નાળાઓમાં નિકાલ થાય છે. તેવામાં જો
મુખ્ય વધારાના વરસાદી નાળાઓની સફાઈમાં બેદરકારી દાખવવામાં આવશે, તો આગામી વરસાદમાં સ્થિતિ વધુ ખરાબ થવાની ચિંતા જાગૃત નાગરિકો વ્યક્ત કરી
રહ્યા છે. આ બાબતે અધિકારીઓ પગલાં ભરે તેવી માંગ ઊઠી છે.