નવી દિલ્હી, તા. 30 : દક્ષિણ
એશિયાના રાજકીય પરિદૃશ્યમાં એક નવી રાજદ્વારી રમત રમવાની તૈયારી કરી રહેલા
પાકિસ્તાન અને ચીન એક નવા પ્રાદેશિક સંગઠનની રચના કરવાના પ્રસ્તાવ પર કામ કરી
રહ્યા છે, જે
અંતર્ગત આ નવું સંગઠન દક્ષિણ એશિયન પ્રાદેશિક સહકાર સંગઠન (સાર્ક)ના બદલે તેનું
સ્થાન લઈ શકે છે. આ પ્રોજેક્ટ પાછળ ચીનની અવળચંડાઈ હોવાનું મનાય છે, જેને પાકિસ્તાન સમર્થન આપી રહ્યું છે. એક મીડિયા હેવાલ મુજબ, તાજેતરમાં, ચીનના કુનામિંગ શહેરમાં પાકિસ્તાન,
ચીન અને બાંગલાદેશ વચ્ચે ત્રિપક્ષીય બેઠક યોજાઈ હતી. એવું કહેવાય છે
કે આ બેઠક આ સંગઠનને નક્કર આકાર આપવા માટેના રાજદ્વારી દાવપેચનો એક ભાગ હતી.
નોંધનીય છે કે, 2016થી સાર્ક બેઠક યોજાઈ નથી. 2016માં
જ્યારે ઇસ્લામાબાદમાં બેઠકનો પ્રસ્તાવ મૂકાયો હતો, ત્યારે જમ્મુ અને કાશ્મીરના ઉરીમાં હુમલો
થયો હતો. આ ઘટનાક્રમથી પરિચિત રાજદ્વારી સૂત્રોને ટાંકીને મળતા હેવાલમાં
ઇસ્લામાબાદ અને બાજિંગ વચ્ચેની વાતચીત હવે આગળના તબક્કામાં છે. બંને પક્ષો
પ્રાદેશિક એકીકરણ અને જોડાણ માટે એક નવું સંગઠન માટે સંમત થયા છે. જો કે, વિદેશ બાબતોના
સલાહકાર તૌહીદ હુસેને કહ્યું હતું કે, અમે કોઈ ગઠબંધન બનાવી
રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે, સાર્કમાં ભારત, અફઘાનિસ્તાન, બાંગલાદેશ, ભૂટાન,
માલદીવ, નેપાળ, પાકિસ્તાન
અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. ચીન તેનું સભ્ય નથી, પરંતુ
હવે એક નવું સંગઠન બનાવીને ચીન દક્ષિણ એશિયાના દેશો પર રાજદ્વારી અને રાજકીય
પ્રભાવ પાડી રહ્યું છે. ચીનના બધા સાર્ક દેશો સાથે ઊંડા આર્થિક અને વ્યૂહાત્મક
સંબંધો છે. 2016ની સાર્ક સમિટ ઇસ્લામાબાદમાં યોજાવાની
હતી, ત્યારે
ભારતે સામેલ થવાનો ઈન્કાર કર્યો હતો, ત્યાર બાદ અન્ય દેશોએ
પણ ના પાડતાં આખરે પાકે સમિટ રદ કરવી પડી હતી.