ગાંધીધામ, તા. 30 : અંજારના
તાલુકાના વરસામેડી ખાતે આવેલા કંડલા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેલ આવતાં
તંત્રમાં દોડધામ થઇ પડી હતી. સઘન તપાસ બાદ આવું કાંઇ ન નીકળતાં સૌએ હાશકારો
અનુભવ્યો હતો. વરસામેડી સ્થિત કંડલા એરપોર્ટ ઉપર ગઇકાલે સવારે રાબેતા મુજબ
ગતિવિધિઓ ચાલી રહી હતી. દરમ્યાન એરપોર્ટના ઇ-મેલ આઇડી ઉપર એક મેલ આવ્યો હતો, જેમાં નમસ્કાર, એરપોર્ટની આસપાસ મૂકવામાં આવેલ બેકેપેકમાં શક્તિશાળી વિસ્ફોટક ઉપકરણો
છૂપાયેલા છે. તમારે તાત્કાલિક ઇમારતો ખાલી કરવી પડશે. તમારે ઉતાવળ કરવી પડશે,
નહીંતર અંદરના લોકો મરી જશે વગેરે લખાણ હતું. આ ઇ-મેલ વાંચીને
એરપોર્ટના ટર્મિનલ મેનેજર અંશુમન તિવારી સતર્ક બની ગયા હતા. તેમણે આ વાત પોલીસ તથા
અન્યોને કરી હતી. પોલીસે તાબડતોબ અહીં દોડી આવીને એરપોર્ટના ખૂણેખૂણાની સઘન તપાસ
હાથ ધરી હતી, પરંતુ તપાસ દરમ્યાન કાંઇ ન નીકળતાં સૌએ રાહતનો
શ્વાસ લીધા હતા. ઇ-મેલ કરનારા અજાણ્યા ઇ-મેલધારક વિરુદ્ધ એરપોર્ટના ઇન્ચાર્જ
ડાયરેક્ટર ભગવંતસિંઘ હુકમસિંઘે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેની આગળની વધુ
તપાસ પોલીને હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કંડલા એરપોર્ટને
ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેલ અગાઉ પણ કોઇ શખ્સોએ કર્યો હતો, જેમાં હજુ કોઇની અટક થઇ નથી.