લંડન, તા. 30 : વિમ્બલ્ડનના
આરંભે જ રોમાંચક અને મેરેથોન મુકાબલામાં સ્પેનિશ ખેલાડી કાર્લોસ અલ્કારાઝે ઇટાલિયન
ખેલાડી ફાબિયો ફોગનીનીને પરાજય આપી વિજયી શરૂઆત કરી હતી. ઇટાલિયન ખેલાડીની અસાધારણ
ટક્કરથી મેચ પાંચ સેટ સુધી લંબાઇ હતી. બીજીતરફ 64મા ક્રમાંકિત બેન્જામિન બોન્ઝીએ
નવમા ક્રમાંકિત મેદવેદેવને પહેલા જ રાઉન્ડમાં હાર સાથે સ્પર્ધાની બહાર કરતાં મોટો
ઊલટફેર સર્જાયો હતો. મહિલા વર્ગની મેચોમાં ટોચની ક્રમાંકિત આર્યના સબાલેન્કાએ
કેનેડિયન હરીફ કાર્સોન બ્રેન્સ્ટાઇનને આસાન પરાજય સાથે આગેકૂચ કરી હતી. લંડનમાં
આજે વિક્રમી 33 ડિગ્રી ગરમી હતી. સેન્ટર કોર્ટ પરની મેચના સમાપને અલ્કારાઝે
વિજયી હોવા છતાં ફોગનીની મન જીતી ગયો હતો. અલ્કારાઝે પ્રેક્ષકોને આંગળીના ઇશારે
કહ્યું કે, હારવા
છતાં હીરો ફાબિયો ફોગનીની જ હતો. આ મેચ 4 કલાક 37 મિનિટ
ચાલી હતી. ફોગનીની અને અલ્કારાઝ વચ્ચેની મેચ ચાર કલાક કરતાં વધુ સમય તાલી હતી, જેમાં ફોગનીનીએ બે સેટ
જીતતાં મુકાબલો પાંચ સેટ ચાલ્યો હતો, જેમાં અંતે અલ્કારાઝે 7-5, 6-7, 7-5, 2-6, 6-1થી
મેચ જીતી હતી. બીજીતરફ મોટા અપસેટમાં 65મા ક્રમાંકના બોન્ઝીએ નવમા
ક્રમના મેદવેદેવ સામે 7-6 (2), 3-6, 7-6
(3) અને 6-2થી જીત
દર્જ કરતાં રશિયન ખેલાડી વધુ એક ગ્રાન્ડસ્લેમમાં પહેલા જ સેટમાં બહાર ફેંકાયો હતો.
મહિલા વર્ગની મેચમાં બેલારૂસની સબાલેન્કાએ વિમ્બલ્ડન ટાઇટલ મેળવવાના પોતાના
અભિયાનની જીત સાથે શરૂઆત કરી હતી. ભારે ગરમી વચ્ચેની મેચમાં બેલારૂસની ખેલાડીએ
કેનેડિયન હરીફને 6-1, 7-5થી હાર આપી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો
હતો.