ઈસ્લામાબાદ, તા. 30 : આતંકવાદ
મામલે વિશ્વ સમક્ષ ઉઘાડા પડવા અને ઓપરેશન સિંદૂર દરમ્યાન ભારતની આકરી લપડાક ખાવા
છતાં પાકિસ્તાનના સૂર બદલાયા નથી. પાકિસ્તાની સેનાના પ્રમુખ ફિલ્ડમાર્શલ અસીમ
મુનીરે જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકવાદી સંગઠનોનું જાહેરમાં સમર્થન કરતાં કહ્યું
કે, ભારત
જેને આતંકવાદ કહે છે એ `સંઘર્ષ' છે અને પાકિસ્તાન
કાશ્મીરી લોકોને રાજકીય, કૂટનીતિક તેમજ નૈતિક સમર્થન આપતું
રહેશે. તેમણે પાકિસ્તાન નૌસેના એકેડેમીમાં પાસિંગ આઉટ પરેડ દરમ્યાન આવી ટિપ્પણીઓ
કરી હતી. તેમણે જૂઠાણાનો પુનરોચ્ચાર કરતાં કહ્યું કે, ભારતે
પાકિસ્તાન વિરુદ્ધ બે વખત ઉશ્કેરણી વિના આક્રમક કાર્યવાહી કરી હતી અને ભવિષ્યમાં
કોઈ પણ પ્રકારની આક્રમકતાની જવાબદારી હુમલો કરનારાની રહેશે. આ પહેલો પ્રસંગ નથી કે
જ્યાં મુનીરે ભારત વિરોધી ઝેર ઓક્યું છે. મુનીરની તાજેતરની ટિપ્પણીઓ વિશે ભારતીય
અધિકારીઓ તરફથી તત્કાળ કોઈ પ્રતિક્રિયા આવી નથી. જો કે, કાશ્મીર
વિશેની છેલ્લી ટિપ્પણીઓને વિદેશ મંત્રાલાયે ફગાવી દીધી હતી. મુનીરે ભારત વિરોધી
ઝેર ઓકતાં કરાચીમાં ટોચના સૈન્ય અધિકારીઓ, વહીવટી અધિકારીઓ
અને રાજનેતાઓની સભાને સંબોધિત કરતાં કહ્યું કે, ભારત જેને
આતંકવાદ કહે છે તે વાસ્તવમાં અંતરરાષ્ટ્રીય સંમેલનો અનુસાર `ન્યાયિક
સંઘર્ષ' છે.