ભુજ, તા. 30 : આજે
સવારે નાડાપાની કંપનીના રહેણાંકમાં રસોડા પાસે પાંચ અને છ વર્ષના બે માસૂમ બાળકો
રમી રહ્યા હતા ત્યારે અચાનક સિમેન્ટના બ્લોકની દીવાલ ધસતાં બંને બાળકો તેમાં દબાયા
હતા. જેમાં છ વર્ષીય સાહિલ બાબુ ડામોરનું મૃત્યુ થયું હતું અને તેના નાના ભાઇ
પ્રેમ (ઉ.વ. 5) ઘાયલ થતાં સારવાર તળે ખસેડાયો છે. આ કરુણ બનાવથી
મધ્યપ્રદેશના શ્રમજીવી પરિવાર અને વસાહતમાં ગમગીની છવાઇ હતી. આ કરુણાંતિકા અંગે
પદ્ધર પોલીસ અને જી.કે. જનરલ પોલીસ ચોકીમાં નોંધાયેલી વિગતો પરથી મળેલી માહિતી
મુજબ નાડાપાની બ્રાઇટ માઇક્રોન કંપનીમાં આવેલા રહેણાંકમાં શ્રમજીવી બાબુ કટિયા
ડામોર (રહે. મૂળ કૈકાવત મોટી,
તા. જાબુઆ-મધ્યપ્રદેશ)ના બંને બાળકો સાહિલ અને પ્રેમ ઘરના રસોડા
પાસે સવારે 8.30 વાગ્યાના અરસામાં રમી રહ્યા હતા ત્યારે
સિમેન્ટ બ્લોકની દીવાલ બંને બાળકો પર પડતાં આ દીવાલ તળે દબાઇ ગયા હતા. ઘાયલ બંને
બાળકોને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાર ખસેડાતાં સાહલિનું સારવાર
દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું અને પ્રેમને સારવાર અર્થે દાખલ કરાયો છે. પદ્ધર
પોલીસે તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરી હતી. આ કરુણ બનાવથી શ્રમજીવી પરિવાર પર
દુ:ખના વાદળ ઘેરાયા હતા. વસાહતમાં પણ આ કરુણાંતિકાથી ગમગીની છવાઇ હતી.