રવાપર (તા. નખત્રાણા), તા. 30 : નખત્રાણા
તાલુકાના મહત્ત્વના રવાપર-નેત્રા 13 કિ.મી. રોડ પ્રશ્ને વારંવારની
રજૂઆત છતાં વરસાદનું આગમન થયું એવી સ્થિતિમાં સુધારો જોવા મળ્યો નથી. તા.પં. પૂર્વ
વિપક્ષી નેતા અશ્વિન રૂપારેલ દ્વારા તંત્ર અને ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત કરવા
છતાં મંદ ગતિએ ચાલતા આ માર્ગના પુલનું કામ પૂર્ણ થયું નથી, તો બંને સાઇડ ડાબકાનાં
કામ પણ ઠેરઠેર અધૂરા પડયા છે, તો નેત્રા-રામપર વચ્ચે સિમેન્ટ
રોડની સાઇડમાં પણ માટીના ઢગલા એમને એમ પડી રહ્યા છે. આ પ્રશ્ને કંપનીના જવાબદારોને
પૂછવા ફોન કરતાં ફોન ઉપાડવાની પણ તસ્દી લેવામાં આવતી નથી. તંત્ર દ્વારા નોટિસ આપી
કંપનીને દંડ કરાય છે. આ જ સ્થિતિ રહી તો ચાલુ વરસાદમાં કોઇ ગંભીર અકસ્માતનો ભોગ
બનશે તો જવાબદારી કોની રહેશે તેવો સવાલ કર્યો હતો.