• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

કંડલામાં 200 એકર જમીન દબાણમુક્ત કરાવાઈ

ગાંધીધામ, તા. 5 : કંડલા બંદરે લાંબા સમયથી ક્રીક વિસ્તારમાં  ખડકાયેલા સેંકડો દબાણો સામે  અંતે પોર્ટ પ્રશાસન  દ્વારા કાર્યવાહી કરવામાં  આવી હતી.  રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ દબાણ હટાવ ઝુંબેશ કરાઈ હતી. આ કામગીરીના પગલે અસરગ્રસ્ત પરિવારોમાં આક્રોશ ભભૂકી ઊઠયો હતો. વહેલી સવારથી  આદરાયેલી આ ઝુંબેશ મોડી સાંજ સુધી ચાલી હતે.  થોડાં-થોડાં ઝૂપડાંઓથી શરૂઆત થયા બાદ સેંકડો ઝૂંપડાંઓ થઈ ગયાં હતાં. પ્રશાસનની આ કાર્યવાહીથી કંડલામાં ગેરકાયદે દબાણો નેસ્તનાબૂદ કરાયા હોવાનું પ્રશાસને જણાવ્યું હતું. આ અંગે પોર્ટના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ કંડલામાં કસ્ટમ ઓફિસની પાછળ નીચાણવાળા ક્રીક વિસ્તારમાં તેમજ અન્ય  ત્રણેક સ્થળે  આજે વહેલી સવારે લોકો નિદ્રાધીન હતા અને ડીપીએ પ્રશાસનની  સેંકડો અધિકારીઓ, કર્મચારીઓની ટીમ જેસીબી  સહિતનાં સાધનો  સાથે પહોંચી ગઈ હતી. સાજના અરસામાં ટાઈડ આવતી હોવાના કારણે કામગીરીમાં કોઈ વિક્ષેપ ન  થાય તે માટે વહેલી સવારથી જ દબાણ હટાવ ઝુંબેશ આદરવામાં આવી હોવાનુ ંપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું.  બન્ના ઝૂંપડાં તેમજ ઈફકોની સામે તેમજ અન્ય સ્થળે  કાચાં-પાકાં ઝૂંપડાંઓ ઉપર બુલડોઝર ફરી વળ્યું હતું. પોર્ટ પ્રશાસન દ્વારા આ સ્થળે દબાણો  દૂર કરવા માટે લાંબા સમયથી કવાયત આદરવામાં  આવી હતી. 6 મહિના પહેલાં નોટિસો પણ  આપવામાં આવી હતી. આ ઉપરાંત વાહનો ફેરવીને કાર્યવાહીની તારીખ  આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. કંડલા કસ્ટમ ઓફિસ કચેરીની પાછળની જમીનમાં સાંજે 4 વાગ્યે ટાઈડના કારણે કામગીરી ઉપર અસર પડી હતી, જ્યારે ઈફકો અને અન્ય સ્થળે  મોડી સાંજ સુધી દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ રહી હોવાના અહેવાલો સાંપડયા  હતા. હજી આવતીકાલે પણ ઝુંબેશ ચાલુ રહેશે તેવું  પોર્ટના સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું. આ કાર્યવાહી દરમ્યાન અંદાજે 250થી વધુ ઝૂંપડાંઓ તોડી પાડવામાં આવતાં  પોર્ટની માલિકીની  200 એકર જમીનને દબાણમુકત કરવામાં આવી હતી. ડીપીએ ચેરમેન સુશિલકુમાર સિંઘ, ઉપાધ્યક્ષ નંદીશ શુકલા તેમજ પોર્ટના અધિકારઓએ પણ ઘટનાસ્થળની મુલકાત લઈને જાતમાહિતી મેળવી હતી. પૂર્વ?કચ્છ પોલીસવડા સાગર બાગમારે  ઘટનાસ્થળેથી જણાવ્યું  હતું કે, રાષ્ટ્રીય  સુરક્ષા, દરિયાઈ અને  પોર્ટની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમજ કંડલાના ક્રિટિકલ ઈન્સ્ટોલેશનમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતાં તત્ત્વો પણ અહીં વસાવાટ કરે છે. આ  બાબતને ધ્યાનમાં રાખીને દબાણ  હટાવવાની ઝુંબેશ આદરવામાં આવી  હોવાનું ઉમેર્યું હતું.   આજે 200થી વધુ  પોલીસ અને સુરક્ષાના જવાનો,  200  જેટલા પોર્ટના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે 200 જેટલા શ્રમિકો સહિતનો કાફલો આ કામગીરીમાં જોડાયો હતો દરમ્યાન  બન્ના વિસ્તારની આજુબાજુનાં મકાનોમાં દબાણ હટાવવાની કાર્યવાહી  માનવ અધિકારનું હનન હોવાનું  અને વૈકલ્પિક વ્યવસ્થા વિના  હજારો લોકોને બેઘર કરવાની કાર્યવાહી અન્યાયભરી હોવાનું હાજી જુમા રાયમાએ જણાવ્યું હતું. આ કાર્યવાહી લોકોના મૂળભૂત અધિકારો ઉપર તરાપ  છે. તેમણે કહ્યું હતું કે, જે લોકોને માછીમારી કરવા સરકાર  દ્વારા  પાસ આપવામાં આવે છે તે અંતર્ગત માછીમારી કરતા હોય છે. તે લોકોના રહેઠાણ માટે બીજી વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ તેમણે કરી હતી. દરમ્યાન અસરગ્રસ્ત પરિવારોમાં આક્રોશ અને કચવાટની લાગણી પ્રસરી હતી. લોકોને ઘરમાંથી સામાન પણ કાઢવાનો સમય અપાયો ન હોવાનો બળાપો વ્યકત કરાયો હતો. કેટલાક લોકોએ રડતાં રડતાં આપવીતી કહી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang