• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

અંજાર આરટીઓ કચેરીમાં બીજી વખત એસીબીની લટારથી ફેલાયો ફફડાટ

અંજાર, તા. 17 :  પૂર્વ કચ્છની અલાયદી પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગની કચેરીમાં આજે લાંચ રૂશ્વત બ્યૂરોની ટીમે પૂછપરછ કરતાં ફાફડાટનો માહોલ ઊભો થયો હતો. ચર્ચામાંથી બહાર આવેલી વિગતો અનુસાર આજે સવારે એસીબીની ટીમ આરટીઓ કચેરી આવી પહોંચી હતી. આ ટીમ દ્વારા અરજદારોને કામગીરી સંદર્ભે પૂછપરછ કરી હતી તેમજ અહીં પૈસા માગવામાં આવે છે કે કેમ સહિતના મુદ્દે સવાલો કર્યા હતા. અચાનક રીતે એસીબી  દ્વારા  આ પ્રકારની ગતિવિધિ હાથ ધરાતાં જુદાં જુદાં કામો કરતા કથિત એજન્ટો, કચેરીના સ્ટાફ તેમજ અધિકારીઓમાં ભયનો માહોલ છવાયો હતો. અલબત્ત થોડા સમય બાદ આ ટુકડી આરટીઓ કચેરીમાંથી જતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. આરટીઓ કચેરીમાં જુદાં જુદાં કામો માટે નાણા લેવાતા હોવાના કથિત આક્ષેપો સાથેની થયેલી અરજીના આધારે આ ટીમે તપાસ હાથ ધરી હોવાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતા. આ અંગે સત્તાવાર રીતે વિગતો સાંપડી ન હતી. નોંધપાત્ર છે કે, ગત શુક્રવારે પણ એસીબી ગાડીએ લટાર મારી હોવાની ચર્ચા સાથે કચેરીમાં સોપો પડી ગયો હતો. અધિકારીઓ અને કર્મચારીઓ સાબદા બન્યા હતા. તેમજ કથિત એજન્ટો કચેરીમાંથી ગાયબ થયા હતા.  તેવામાં આજે વધુ એકવાર એસીબીએ કચેરીમાં લટાર મારતા ભયનો માહોલ ફેલાયો હતો.  

Panchang

dd