રાપર, તા. 6 : તાલુકાના ચિત્રોડ પાસે ટ્રેન હડફેટે અનેક ગૌવંશને
ઈજા પહોંચી હતી. આ દરમ્યાન પશુ એમ્બ્યુલન્સની
ટીમ દ્વારા ઈજાગ્રસ્ત ગૌવંશને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. ચિત્રોડ ગામની રેલવે
લાઈનમાં ગાયોનો એક્સિડન્ટ થયો હતો, જેમાં 15 જેટલી ગાયો ઘાયલ થઈ હતી, જે ઘટના ત્યાંથી
ચાલતા મુસાફરનું ધ્યાન ગયું હતું. તેમણે તરત જ 1962 ઉપર કોલ કર્યો હતો. આ અંગેની જાણ
થતાં નજીકની બે એમ્બ્યુલન્સ એમ.વી.ડી. સઈ અને એમ.વી.ડી. આડેસરના ડૉ.વૈભવ ત્રિવેદી,
ડૉ.પ્રકાશ ચૌધરી, પાયલોટ કમ ડ્રેસર દીપેશ પરમાર અને સરતન રબારી તાત્કાલિક ધોરણે સારવાર
માટે પહોંચી ગયા હતા. ટીમ દ્વારા ઘાયલ ગાયોને સારવાર આપવામાં આવી હતી. જે સેવાને ત્યાંના
લોકોએ બિરદાવી હતી. ત્વરીત સારવાર મળવાથી ઘાયલ ગાયોને રાહત થઈ અને તેમનો જીવ બચાવ્યો
હતો. કચ્છ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ડૉ. તાલિબ હુસેન અને પ્રોજેકટ કો ઓર્ડીનેટર અરાવિંદ
જોષીએ તબીબ અને પાયલોટની કામગીરીને બિરદાવી હતી. આ સેવાનો વધુમાં વધુ પ્રચાર થાય અને
લોકો સેવાનો લાભ લે તેવો અનુરોધ કર્યો હતો.