• મંગળવાર, 23 જુલાઈ, 2024

હત્યાના પ્રયાસના કેસમાં મહિલા કોન્સ્ટેબલના જામીન રદ

ગાંધીધામ, તા. 9 : ભચાઉ નજીક પોલીસ ઉપર વાહન ચડાવી મારી નાખવાની કોશિશ તથા દારૂના પ્રકરણમાં પકડાયેલા મહિલા પોલીસ કર્મચારીના જામીન સેશન્સ કોર્ટએ રદ કરી તેની ધરપકડ કરવા આદેશ કર્યો હતો. ભચાઉથી છએક કિ.મી. દૂર ગત તા. 30/6ના આ ચકચારી બનાવ બન્યો હતો. સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા આ પ્રકરણમાં બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ પોલીસને મારી નાખવાના ઇરાદે તેમના ઉપર ગાડી ચડાવી દીધી હતી. બાદમાં પોલીસે આ શખ્સને તેમજ તેની બાજુમાં બેઠેલ સી.આઇ.ડી. ક્રાઇમમાં રહેલ તેમજ બાદમાં ફરજમોકૂફ  કરાયેલ મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીની અટક કરવામાં આવી હતી. આ બંનેના હત્યાના પ્રયાસના કેસમાં રિમાન્ડ નામંજૂર કરાયા હતા તેમજ આ જ કેસમાં અધિક ચીફ જ્યુડિશિયલની કોર્ટએ મહિલાને જામીન આપી દીધા હતા તેમજ દારૂના કેસમાં બંનેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા, પરંતુ રિમાન્ડ દરમ્યાન ખાસ કાંઇ બહાર આવ્યું નહોતું. દરમ્યાન પોલીસે મહિલા પોલીસકર્મીના જામીન રદ કરવા અધિક સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં ગુનાની ગંભીરતા, ગુનો આચરવાની આરોપીની ટેકનિક સાથે રહેલ પોલીસ કર્મચારી નીતા ચૌધરીની યુવરાજસિંહને ઉશ્કેરણી અને ત્યારબાદ પોલીસ પાર્ટી ઉપર જાનથી મારી નાખવાના ઇરાદે ગાડી ચડાવી મારી નાખવાની કોશિશ કરવી, હાલનો આ બનાવ માત્ર કાયદાની દૃષ્ટિએ ગંભીર છે એટલું જ નહીં પરંતુ સમાજ માટે પણ લાલબત્તી સમાન તથા પોલીસ દળની નૈતિકતાને તોડતી ઘટના છે. આ બનાવ પોલીસની નૈતિકતા ઉપર હિચકારો હુમલો છે વગેરે બાબતોને ધ્યાને લઇ અધિક સેશન્સ કોર્ટના ન્યાયાધીશએ આ મહિલા આરોપીના જામીન રદ કરી તેને તાત્કાલિક કેદમાં લેવા હુકમ કરવા આદેશ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે એ.જી.પી. ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજા તથા મૂળ ફરિયાદી તરફે ધારાશાત્રી હિતેન્દ્રસિંહ બી. વાઘેલા હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang