• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

પાંચ વર્ષ પૂર્વેના આધારકાર્ડના લાંચના કેસમાં આરોપી નિર્દોષ

ભુજ, તા. 24 : 2019માં શહેરી મામલતદાર કચેરીમાં આધારકાર્ડ કઢાવા બાબતે એસીબીએ ગોઠવેલા લાંચના છટકામાં આરોપી ઝડપાઈ ગયા બાદ ફરિયાદ પક્ષ આરોપી સામેનો કેસ સાબિત ન કરી શકતો નિર્દોષ છુટકારો થયો છે. આ ઉપરાંત પોક્સો કોર્ટ પણ એક અપહરણ દુષ્કર્મના પોકસોના કેસમાં આરોપીને દોષમુક્ત કર્યાનો ચુકાદો સામે આવ્યો છે. વર્ષ 2019માં એસીબીને એવી બાતમી મળી હતી કે, ભુજની મામલતદાર કચેરીમાં આધારકાર્ડ કાઢવાની કાર્યવાહી સરકારના નિયમ મુજબ નિ:શુલ્ક કરવાની હોય છે, પરંતુ કચેરીમાં કોમ્પ્યુટરમાં આધારકાર્ડ બનાવવાનું કામ કરતો હીરજી ભીમજી વાઘેલા લોકો પાસેથી લાંચ માગે છે. આથી એસીબીએ છટકું ગોઠવી કાર્યવાહી કરતાં આરોપી છટકામાં ઝડપાઈ ગયા બાદ તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી અટક કરી અને તપાસ પૂરી કરીને આ કેસ ભુજની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષ આરોપી સામેનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ જતાં જજ એ.એલ. વ્યાસે આરોપીને નિર્દોષ ઠરાવ્યો હતો. આરોપીના બચાવ માટે ભુજના વરિષ્ઠ ધારાશાત્રી હેમસિંહ ચૌધરી, દીપક એસ. ઉકાણી, કુલદીપ મહેતા, ગણેશદાન ગઢવી, જિગ્નેશ લખતરિયા, દેવરાજ કે. ગઢવી, હેતલ દવે, નરેશ ચૌધરી તથા પ્રશાંત રાજપૂત હાજર રહી દલીલો કરી હતી. આ ઉપરાંત પદ્ધર પોલીસ મથકે ફરિયાદીએ એવી ફરિયાદ લખાવી હતી કે, આરોપી વિક્રમ નાથાભાઈ ઠાકોર તેની સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયો છે. જેના અનુસંધાને આરોપીની અટક થઈ હતી અને સગીરા મળી જતાં આરોપી વિરુદ્ધ પોકસોની જોગવાઈ અને દુષ્કર્મની કલમો ઉમેરાઈ હતી. આ બાદ આરોપી જામીન ઉપર મુકત થયો હતો. આ બાદ કોર્ટમાં ચાર્જશીટ બાદ ચાલેલી ન્યાયિક કાર્યવાહીમાં પોકસો કોર્ટ દ્વારા આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ ફરમાવ્યો છે. આરોપીના વકીલ તરીકે ધારાશાત્રી મામદ આઈ. હિંગોરા, મજીદ જે. લોધરા હાજર રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang