• મંગળવાર, 23 જુલાઈ, 2024

કિડાણામાં મશ્કરીનું મન દુ:ખ રાખી કિશોર ઉપર છરીથી હુમલો

ગાંધીધામ, તા. 24 : તાલુકાના કિડાણામાં મહિલાની મશ્કરી કરવા મુદ્દે માથાકૂટ થતાં એક શખ્સે યુવાનને છરી ભોંકી દેતાં જઠરમાં કાણું પડી ગયું હતું. બનાવ અંગે ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. કિડાણાના લક્ષ્યનગર ક્રિકેટના મેદાનમાં ગત તા. 22/6ના રાત્રે 8.30ના અરસામાં જીવલેણ હુમલાનો આ બનાવ બન્યો હતો. કાસેઝની ખાનગી કંપનીમાં કામ કરનાર ફરિયાદી પ્રકાશ ગણેશ યાદવ (આહીર) કંપનીમાં હતો ત્યારે તેના ભાઈના મિત્રએ તેને ફોન કરી તારા ભાઈ સચિનનો મેદાનમાં કોઈ સાથે ઝઘડો થયો છે અને તેને કોઈએ છરી મારી છે તેવું જણાવ્યું હતું. જેથી ફરિયાદી ત્યાં જતાં તેના ભાઈને સારવાર અર્થે રામબાગ અને ત્યાંથી આદિપુરની ખાનગી હોસ્પિટલ બાદમાં વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તબીબોએ આ કિશોરનું ઓપરેશન કર્યું હતું. સચિન હજુ બેભાન હોવાનું પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું હતું. દરમ્યાન ફરિયાદીને લોકેશનો ફોન આવ્યો હતો અને તારો ભાઈ બબલુની પત્નીની મશ્કરી કરતો હોવાનું મન દુ:ખ રાખી મેદાનમાં રાયમા નામના શખ્સે, બબલુ તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો અને રાયમાએ છરી મારી દીધી હતી. આ કિશોરને બગલથી જઠર સુધી છરીનો ઊંડો ઘા ઝીંકતાં તેના જઠરમાં કાણું પડી ગયું હતું. જેમાં તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang