સંપાદકીય..: કુંદન વ્યાસ : નારીશક્તિ માટે સંવિધાનમાં
સુધારા કરતા ખરડાનો વિરોધ કરીને ફરીથી બીજી વખત સંસદમાં મોદી સરકારને પરાજિત કરવાનો
કોંગ્રેસના ઇન્ડિ મોરચાનો વ્યૂહ `બૂમરેંગ' થઈ રહ્યો છે અને ઇન્ડિ મોરચામાં જ ભંગાણ પડયું
છે.
મોદી સરકારને હટાવવા માટે કોંગ્રેસે અન્ય વિપક્ષોને સાથે લઈને ઇન્ડિ મોરચો બનાવ્યો
હતો.ડીએમકે સ્થાપક પક્ષ હોવાથી મોરચાને બળ મળ્યું હતું અને જ્યેષ્ઠ રાજકીય નેતા -
શરદચંદ્ર પવારના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષનું પણ મોરચામાં સમ્માન હતું.આ બંને પક્ષોએ
હવે કોંગ્રેસનો `હાથ' છોડીને સરકારી ખરડાને સમર્થન આપવાની જાહેરાત
કરી છે.ભાજપ-એનડીએ માટે એક પંથ - દો કાજ અથવા એક કાંકરે બે પક્ષી માર્યા જેવો ઘાટ
છે.સંસદમાં વિપક્ષી નેતા ખરડા ઉપર મતદાન થાય તે પહેલાં જ હાર્યા છે અને રાજકારણમાં
પણ મોરચાબંધી તૂટી રહી છે.વાસ્તવમાં વિપક્ષી નેતાઓ ઊંઘતા ઝડપાયા છે.લોકતંત્ર ખતમ
છે અને સંવિધાન બચાવો તથા પ્રચારમાં મસ્ત રહેલા નેતાઓને દિવાસ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો
કે મોદી કેવી તૈયારી કરી રહ્યા છે.ઓગસ્ટ મહિનામાં સંસદમાં પ્રસ્તાવને બે તૃતીયાંશ
બહુમતી મળી નહીં, ત્યારે જ વડાપ્રધાન મોદીએ જાહેરમાં કહ્યું હતું
કે, નારીશક્તિને ન્યાય મળશે જ.આ પછી મોદી - અમિત શાહે શરદ પવાર
અને ડીએમકેના સ્ટાલિન સાથે સતત સંપર્કમાં રહીને સમજાવટના પ્રયાસ જારી રાખ્યા હતા.શરદ
પવારનાં પુત્રી સંસદસભ્ય સુપ્રિયા સાથે પણ
વાતચીત ચાલુ રાખી હતી.2026માં તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી થઈ તે પહેલાંથી આ સંવાદની શરૂઆત
થઈ હતી.ડીએમકેની બે શરત હતી.સંસદીય ડીએમકે પક્ષનાં ચીફ કનીમોઝી કરુણાનિધિનાં પુત્રી
સંવાદનાં સૂત્રધાર હતાં.1971ની વસ્તીગણતરીનાં
ધોરણે તામિલનાડુને લોકસભામાં બેઠક - વધારો મળવો જોઈએ અને આગામી 25 વર્ષ સુધી તે યથાવત્ રાખવામાં
આવે.ઓગસ્ટ મહિનામાં ગૃહપ્રધાન અમિત શાહે ચર્ચાનો જવાબ આપતાં ખાતરી આપી હતી, પણ ડીએમકેની માગણી લેખિત ખાતરી-પ્રસ્તાવ-ઠરાવમાં
જ મળે એવી હતી અને આ કારણે ઠરાવને મંજૂરી મળી નહીં.આ વખતે માન્ય રખાતાં સમાધાન થયું
છે.આ દરમિયાન ડીએમકેએ સત્તા ગુમાવી અને કોંગ્રેસે મુખ્ય પ્રધાન જોસેફ વિજયનો હાથ પકડયો,
તેથી ડીએમકે નારાજ છે અને ઇન્ડિ મોરચો છોડયો છે.હવે ડીએમકેનું કહેવું
છે કે, કોંગ્રેસના કહેવાથી અમે તામિલનાડુના હિતવિરોધી નિર્ણય
કરી શકીએ નહીં.ભાજપ સાથે રહેવાથી ભવિષ્યમાં રાજ્યને વધુ લાભ છે.આ સાથે ભાજપને પણ
તામિલનાડુમાં લાભ મળશે! શરદચંદ્ર પવાર સ્વાસ્થ્યની સારવાર લઈ રહ્યા છે, તેથી સંસદમાં વોટ આપવા નહીં જઈ શકે.એમનાં પુત્રી સુપ્રિયા ઠરાવ વાંચીને નિર્ણય
લઈશું એમ કહેતાં હતાં અને જીએસટીની જેમ રાષ્ટ્રહિતમાં ટેકો આપી શકાય એમ પણ કહેતાં હતાં.આખરે રાષ્ટ્રવાદી કોંગ્રેસના સભ્યો સમર્થન આપશે એમ નક્કી થયું.ડીએમકેને મનાવવાના પ્રયાસ
મમતા દીદીએ કરી જોયા, પણ નિષ્ફળ.કોંગ્રેસે તમામ વિપક્ષી નેતાઓને
આગ્રહ ર્ક્યો કે, અમારી બેઠકમાં આવો, પણ
બંને મહત્ત્વના પક્ષોએ દાદ આપી નહીં તેથી કોંગ્રેસ હવે રાષ્ટ્રવાદીને મહેણાં મારે છે
કે, દબાણને વશ થયા કે પછી સત્તાનું આકર્ષણ-લાલચ છે? અને ઉદ્ધવસેનાના સંજય રાઉત તો કહે છે - ભાજપ સમર્થન મેળવવા સભ્યોને 150 કરોડ રૂપિયાની ઓફર કરે છે!
હવે સ્પીકર સાહેબ રાઉત સામે પગલાં ભરશે ? ઠપકો આપીને નિંદા કરશે ? બદનામી તમામ માનનીય સભ્યોની
થાય છે !